મહેમદાવાદ શહેરમાં હત્યાના આરોપીને 10 વર્ષની કેદની સજા
- 50 હજારનો દંડ ફટકાર્યો
- 2 વર્ષ પહેલાં બસસ્ટેન્ડમાં મુસાફરને ચપ્પુ મારી હત્યા કરી હતી
મહેમદાવાદ બસ સ્ટેન્ડ ખાતે તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ખુલ્લી જગ્યામાં કિશોરભાઇ પોતાની પત્ની સાથે જમવાનું બનાવવા બાબતે જાહેરમાં અપશબ્દો બોલતાં હતા. તે સમયે આરોપી ચેતન ભાઇલાલભાઇ પરમાર બાજુમાં ઉભા હોય તેમને લાગેલું કે કિશોરભાઇ પોતાને અપશબ્દો બોલે છે. તેમ માની ઉશ્કેરાઇ જઇ કિશોરભાઇને અપશબ્દો બોલી કહેવા લાગેલા કે તું મને કેમ અપશબ્દો બોલે છે? તેમ કહી કિશોરભાઈને શરીરે ગડદાપાટુનો માર મારતા કિશોરભાઇના પત્ની રંજનબેન છોડાવવા વચ્ચે પડતાં આરોપી વધુ ઉશ્કેરાટમાં આવી જઇ કિશોરભાઈને ગળાના ભાગે ચપ્પુ મારી ગંભીર જીવલેણ ઇજાઓ પહોચાડી હતી. જેથી કિશોરભાઇને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર કરાવી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ. આ બાબતની ફરિયાદ મૃતકના પત્ની રંજનબેને મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ કરી આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
આ કેસ નડિયાદના એડિ.સેશન્સ જજ એસ.પી.રાહતકરની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલે ૨૯ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરેલા અને ૧૪ સાહેદોની જુબાની લીધી હતી. જેથી આરોપી ચેતનકુમાર ભાઇલાલભાઇ પરમારને ૧૦ વર્ષની સખત કેદની સજા તથા કુલ રૂ. ૫૦,૦૦૦ નો દંડ કર્યો છે. તેમજ આરોપી દંડ ચુકવે તે દંડમાંથી ફરિયાદી રંજનબેનને રૂ. ૪૦,૦૦૦ વળતર તરીકે ચુકવવાનો હુકમ કર્યો છે.