Get The App

નડિયાદની ત્રણેય સોસાયટીના 200 જેટલા મતદારો ચૂંટણીથી દૂર રહેવા મક્કમ

Updated: May 4th, 2024


Google NewsGoogle News
નડિયાદની ત્રણેય સોસાયટીના 200 જેટલા મતદારો ચૂંટણીથી દૂર રહેવા મક્કમ 1 - image


- તંત્રએ મતદાન બહિષ્કારના પોસ્ટરો ઉતાર્યા

- પ્રાથમિક સુવિધાના અભાવના પ્રશ્નને લઇને રહિશો લડાયક મૂડમાં

નડિયાદ : ગતરોજ નડિયાદ તાલુકાના અને મહુધા વિધાનસભામાં સમાવિષ્ટ જિલ્લા કલેક્ટર કચેરી સામેની ૩ સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લગાવતા તંત્ર દોડતુ થયુ હતંુ. સ્થાનિકોના ભારે વિરોધ અને નારાજગી વચ્ચે તંત્રએ મતદાન બહિષ્કારના પોસ્ટર ઉતાર્યા હતા અને સમજાવટ કરી ગટરના પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી હતી. જો કે, આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હજુપણ સ્થાનિકો મતાધિકારનો ઉપયોગ ન કરવાના પોતાના નિર્ણય પર અડગ છે.

ખેડા જિલ્લા ચૂંટણી પ્રશાસન ગટર જેવા પ્રશ્ને મતદાન બહિષ્કારના નિર્ણય મામલે મતદારોને સમજાવવામાં અસમર્થ રહ્યુ છે અને મતદારોના ભારે વિરોધ અને નારાજગી વચ્ચે પ્રશાસને મતદાન બહિષ્કાર સંદર્ભના પોસ્ટર હટાવ્યા છે. મામલે મળતી માહિતી મુજબ ગત રોજ સવારે કલેક્ટર કચેરી સામેની આવેલ ૩ સોસાયટી પુષ્પવિહાર, પદ્માવતી અને શ્રીજી પૂજનના રહીશોએ ગટરના પાણીના નિકાલના પ્રશ્ને મતદાન બહિષ્કારની ચિમકી ઉચ્ચારી હતી. 

જેમાં આ ત્રણેય સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારનુ બેનર પ્રવેશ દ્વાર પાસે લગાવતાં મામલો ગરમાયો હતો. આ ઘટનાના પગલે કલેકટર, નાયબ કલેકટર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને સ્થાનિક રહીશોને સમજાવી મધ્યસ્થી લાવવા પ્રયત્નો કરાયા હતા. પરંતુ મોડી સાંજ સુધી જિલ્લા વહીવટી તંત્રના આ તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડયા હતા. જોકે એ બાદ બહિષ્કારના બેનર ઉતારવા સમયે વિરોધ થાય તો કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર પોલીસને પણ બોલાવામાં આવી હતી. સ્થાનિકો ન સમજતા અને કાયમી ધોરણે આ સમસ્યાના નિરાકરણ કરવાની જીદ હોય છેવટે તંત્ર દ્વારા આ મતદાન બહિષ્કારના બેનરને મોડી સાંજે ઉતારી દીધું હતું. પરંતુ સ્થાનિકોની લડત હજુ પણ યથાવત રહી છે. 

મોડી રાત્રે આ ત્રણેય સોસાયટીના રહીશોએ મીટીગ કરી હતી. જેમાં મતદાન બહિષ્કારનો નિર્ણયને યથાવત રાખ્યો છે. સોસાયટીના રહીશ નીલેશભાઈએ જણાવ્યું કે, આ ત્રણેય સોસાયટીમાં થઈને અંદાજીત ૨૦૦ મતદારો ભાઈ-બહેનો છે. જે તમામ લોકો લોકસભાની ચૂંટણીના મતદાનનો સંપૂર્ણ પણે બહિષ્કાર કર્યો છે અને આ નિર્ણય સોસાયટીની મીટીંગમાં લેવાયો છે. હાલ પુરતો નહીં પણ કાયમી ધોરણે આ સમસ્યાનો ઉકેલ આવે તેવી અમારી માંગણી છે.


Google NewsGoogle News