મહુધાના બલોલ સીમમાં વીજ કરંટ લાગવાથી યુવકનું મોત
- ગંભીર રીતે દાઝી જતાં સ્થળ પર જ મૃત્યુ થયું
- ખેતરમાં કુવાની ઓરડી પાછળ પશુઓને ઘાસચારો નાખવા ગયા ત્યારે ઘટના બની
નડિયાદ : મહુધા તાલુકાના બલોલ સીમમાં પશુઓને ઘાસચારો નાખવા ગયેલા યુવકનું વીજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મહુધા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહુધા તાલુકાના બલોલ જમીયત પુરામાં રહેતા સલીમભાઈ અનવરભાઈ કુરેશી ખેતી અને પશુપાલન કરી જીવન નિર્વાહ કરે છે.
તેમણે ખેતરમાં કુવાની ઓરડી પાછળ પશુઓને બાંધી રાખ્યા હતા. ગઈકાલે સોમવારે સાંજે ૭ વાગ્યાના સુમારે કુવા પાછળ બાંધેલા પશુઓને ઘાસચારો નાખવા ગયા હતા. ત્યારે અચાનક વીજ કરંટ લાગતા આખા શરીરે ગંભીર રીતે દાઝી જતાં સલીમભાઈ કુરેશી (ઉં.વ.૪૦)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઈદના દિવસે યુવકનું આકસ્મિક મોત નિપજતા સમગ્ર નાનકડા ગામમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.
આ બનાવ અંગે યાસીન અનવરભાઈ કુરેશીએ મહુધા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.