માતરના લીંબાસી ગામે ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું મોત
- સ્ટ્રીટલાઈટના પોલ સાથે ટકરાતા ઘટનાસ્થળે જ મૃત્યુ
- ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડર હોટેલે ચા લેવા જતા હતા ત્યારે અકસ્માત નડયો
નડિયાદ : માતર તાલુકાના લીંબાસી રોડ ઉપર ડિવાઇડર સાથે મોટરસાઇકલ અથડાતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ઘટના સ્થળ પર મોત નીપજયું હતું. આ બનાવ અંગે લીંબાસી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માતર તાલુકાના સાયલામાં રહેતાં ભાવેશભાઈ પુનમભાઈ રોહિત લીંબાસી ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરે છે. ભાવેશભાઈ શનિવારે રાત્રે લીંબાસી કેનાલ પર હોટલ પર ચા લેવા જતો હતો. આ દરમિયાન મોટર સાઈકલ ડિવાઈડર સાથે અથડાઈ સ્ટ્રીટ લાઇટના પોલ સાથે અથડાતા બાઈક ચાલકને માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થઈ હતી. જેથી ભાવેશભાઈ રોહિતનું મોત નીપજયું હતું. પુનમભાઈ ગણેશભાઈ રોહિતે લીંબાસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.