કઠલાલના કઠાણા પાસેથી 2.70 લાખનો દારૃ ભરેલી ગાડી ઝડપાઈ
- માતરના બે શખ્સોની ધરપકડ કરાઈ
- લાડવેલ ચોકડીથી આવતી ગાડીને પેટ્રોલ પમ્પ પાસે અટકાવી તપાસ કરતા દારૃ મળ્યો
કઠલાલ : કઠલાલના કઠાણા પાસેથી રૃા. ૨.૭૦ લાખનો દારૃ ભરેલી ગાડી ઝડપાઈ હતી. પોલીસે દારૃ સહિત રૃા. ૫.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી માતરના બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કઠલાલ પોલીસની ટીમ અમદાવાદ ઈન્દોર હાઇવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાલાસિનોર તરફથી આવતી એક ગાડીમાં વિદેશી દારૃની હેરાફેરી થઈ રહી હોવાની બાતમીના આધારે લાડવેલ ચોકડીથી કઠલાલ તરફ આવી રહેલી ગાડીને કઠાણા પાસે પેટ્રોલ પંપ નજીક તપાસ કરી ઉભી રાખતા તેમાંથી દારૃની ૨૦૦૦ જેટલી બોટલો મળી આવી હતી. જેની કિંમત રૃપિયા૨,૭૦,૦૦૦ તથા ગાડી ની કિંમત રૃપિયા ૩,૦૦,૦૦૦ મળી કુલ રૃપિયા ૫,૭૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગાડીમાં બેઠેલા ઈસમોની પૂછપરછ કરતા પરેશભાઈ શંભુભાઈ પટેલ રહે. માતર તથા મહેશભાઈ દેસાઈભાઈ તળપદા રહે. માતરવાળાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.