ખેડા લોકસભા બેઠક માટે કુલ 12 ઉમેદવારો ચૂંટણી લડશે
- એકપણ ઉમેદવારે ઉમેદવારી પરત ન ખેંચતા હવે
- 35 વર્ષે બે ક્ષત્રિયો વચ્ચે જંગ જામશે, ભાજપના દેવુસિંહ ચૌહાણ અને કોંગ્રેસના કાળુસિંહ ડાભી વચ્ચે સીધી ટક્કર
ખેડા લોકસભાની વાત કરીએ તો આઝાદી બાદ ૧૭ લોકસભા ચૂંટણી યોજાઈ અને આ ૧૭ લોકસભાની ચૂંટણી પૈકી ૧૯૮૯માં છેલ્લે ૨ ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે ટક્કર થઈ હતી. ૧૯૮૯માં પ્રભાતસિંહ ચૌહાણ અને અજીતસિંહ ડાભી વચ્ચે ટક્કર થયેલી. તે પહેલા ૧૯૮૦માં પણ આ બંને ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. ૧૮૮૯માં પ્રભાતસિંહ ચૌહાણ તો ૧૯૮૦માં અજીતસિંહ ડાભી વિજેતા થયેલા. આ સિવાય ૧૯૫૭ અને ૧૯૬૨ની ચૂંટણીમાં પણ ક્ષત્રિયો વચ્ચે ચૂંટણી થઈ હતી.
એટલે ૧૯૮૯ની ચૂંટણી બાદ ખેડા લોકસભા બેઠક પર ૩૫ વર્ષમાં યોજાયેલી ૮ લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય ઉમેદવારો સામસામે આવ્યા નથી. ત્યારે ૩૫ વર્ષ બાદ ૨૦૨૪ની હાલમાં જાહેર થયેલી લોકસભા ચૂંટણીમાં બંને પક્ષે સામસામે ક્ષત્રિય ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. જેમાં ભાજપે સીટીંગ સાંસદ દેવુસિંહ ચૌહાણ અને કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ત્યારે ૩૫ વર્ષે ૨ ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે જંગ જામશે. આ વચ્ચે આજે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. જ્યાં ડમી ઉમેદવારો સિવાય એક પણ ફોર્મ પરત ખેંચાયુ નથી અને હવે ૧૨ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે. આજે ૨૨મી એપ્રિલે લોકસભાના ત્રીજા તબક્કા માટે નિયત કરેલા દિવસ મુજબ ઉમેદવારોએ પોતાની દાવેદારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. આ દિવસે ખેડા લોકસભામાં ભરાયેલા કુલ ૧૪ ફોર્મ પૈકી માત્ર ભાજપના ડમી અપૂર્વ પટેલ અને કોંગ્રેસના ડમી ચંદ્રશેખર ડાભીએ ફોર્મ પરત ખેંચ્યા છે. જેથી હવે આ બેઠક પર કુલ ૧૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. તેમજ મુખ્ય બંને પક્ષના ઉમેદવારો પોતાના ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે.
ઘોડાસર સ્ટેટમાં ડાભી રાજા હતા
આઝાદ ભારત પહેલા રાજા-રજવાડાઓનું સામ્રાજ્ય હતુ. તે વખતે મહેમદાવાદનું ઘોડાસર એ ઘોડાસર સ્ટેટ તરીકે જાણીતુ. આ સ્ટેટમાં બૃહદ ખેડાનો ખૂબ મોટો વિસ્તાર સમાવેશ થતો હતો. આ ઘોડાસર સ્ટેટના તે વખતે ફૂલસિંહ ડાભી અને તેમના વડવાઓ રાજા હતા. આઝાદ ભારતની પહેલી ચૂંટણીમાં ફૂલસિંહ ડાભી કોંગ્રેસના ઉમેદવાર બન્યા અને ખેડા લોકસભાના પ્રથમ સાંસદ બન્યા. તે બાદ તેમના વારસો પણ રાજકારણમાં આવ્યા અને સાંસદ પણ બન્યા છે.