કપડવંજના દાસલવાડા ગામેથી ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ મળ્યો

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
કપડવંજના દાસલવાડા ગામેથી ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ મળ્યો 1 - image


- નડિયાદની ખાનગી હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયો

- જિલ્લા આરોગ્ય તંત્રે ગામમાં સર્વે હાથ ધર્યો, બાળકો તેમજ પશુઓના લોહીના નમુના તપાસ માટે પુણે લેબમાં મોકલાયા

નડિયાદ,કપડવંજ : નડિયાદની ખાનગી હોસ્પિટલ દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દાસલવાડા ગામ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસ દાખલ થવા અંગેની માહિતી જીલ્લા આરોગ્ય તંત્રને આપવામાં આવી હતી. જે માહિતી મળતા જ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વસ્તી ગણતરી કરી અને અસરગ્રસ્ત ઘરોની મુલાકાત લઈ તાવના કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં હાલ ફક્ત એક દાખલ દર્દી હોવાનું જાણવા મળ્યુ છે. ચાંદીપુરમ વાયરસનો પ્રથમ કેસ મહારાષ્ટ્રના ચાંદીપુરા વિસ્તારમાં નોંધાયો હતો અને બાદમાં અન્ય રાજ્યોમાં પણ જોવા મળ્યો હતો.

નાની જીવાત જેનો ઘરની દિવાલોની તિરાડમાં વસવાટ કરે છે અને આ જીવાતના કારણે ૧૦ વર્ષથી નાના બાળકોમાં ચાંદીપુરા નામનો વાયરસ જોવા મળે છે. મહારાષ્ટ્રના ચાંદીપુરામાં પહેલો કેસ નોંધાયો હતો અને બાદમાં બિહાર અને પશ્ચિમ બંગાળમાં કેસ નોંધાયા હતા, હવે ખેડા જિલ્લાના કપડવંજના દાસલવાડાના એક બાળકમાં આ વાયરસ જોવા મળ્યો છે. 

બાળક નડિયાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતો અને આ દરમિયાન આ વાયરસના લક્ષણ જણાતા હોસ્પિટલ પ્રશાસને જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરી હતી અને તેના પગલે આરોગ્ય વિભાગ કપડવંજના દાસલવાડામાં દોડી ગયુ હતું. જ્યાં આ ગામની વસ્તીની ગણતરી બાદ વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હતો. ઉપરાંત ઢોર-ઢાંખરની આસપાસ આ જીવાત રહેતી હોય, ઢોરોના પણ રીપોર્ટ કરવામાં આવ્યા છે અને જે વિસ્તારમાંથી શંકાસ્પદ કેસ મળ્યો છે, તે વિસ્તારમાં અન્ય કેટલાક બાળકોના રીપોર્ટ કરાયા છે. 

આ સિવાય આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા જુના માટીના મકાનો તેમજ પ્લાસ્ટર વગરના દિવાલોની તિરાડોને માટીના લીપણથી પુરાવવાની, કાચા મકાનોની દિવાલોની ફકત ધાર ઉપર જંતુનાશક પાઉડરથી ડસ્ટીંગ અને ઢોર-કોઠારની ધાર પર જંતુનાશક પાઉડરથી ડસ્ટીંગ કરાવવાની કામગીરી કરવામાં આવી. અસરગ્રસ્ત દર્દીનું લોહી સેમ્પલ એન.આઈ.વી.-પુણે ખાતે પોઝીટીવની ખાત્રી કરવા મોકલી આપવામાં આવેલ છે. તથા અસરગ્રસ્ત વિસ્તારમાંથી ૨ ગાય, ૩ ભેસ, ૨ વાછરડા,૩ બકરી એમ કુલ ૧૦ જાનવરોના લોહીના સેમ્પલ ચકાસણી અર્થે એન.આઇ.વી-પુણે ખાતે મોકલવામાં આવેલ છે. 


Google NewsGoogle News