ચંચેલાવ ગામ પાસે બાઇક સ્લીપ ખાઇ જતાં સવાર વ્યક્તિનું મોત
- અકસ્માત અંગે પોલીસ મથકે ફરિયાદ દાખલ
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના વાલાગોટા ગામે આવેલા વચલા ફળિયામાં રહેતા પ્રવીણભાઈ સોમાભાઈ ડામોરે ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.તેઓના ભાઈ સુરેશભાઈ ડામોર તેઓના ગામમાં રહેતા સુરેશભાઈ ભરતભાઈ બારીયાની બાઈક પર બેસીને ગત તા ૪ ઓકટોબર બપોરે બાઈક પર બેસીને વડોદરા ખાતે મજૂરીકામ અર્થે જવા માટે નીકળ્યા હતા, તે વેળાએ બાઈક ચાલક સુરેશભાઈ બારીયા પોતાની બાઈક પૂરઝડપે હંકારતા ગોધરા તાલુકાના ચંચેલાવ નજીક બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી.
આ ઘટનામાં બાઈક પર પાછળ બેઠેલા સુરેશભાઈ ડામોરને માથાના ભાગે તેમજ કમરના ભાગે ગંભીર ઈજા ે પહોંચી હતી, જેથી તેઓને ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઇજા વધુ ગંભીર હોવાને કારણે વધુ સારવાર માટે વડોદરા ખાતે આવેલી એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે સુરેશભાઈ ડામોરને મૃત જાહેર કર્યા હતા.સમગ્ર ઘટનાને લઈ બાઈકચાલક સુરેશભાઈ બારીયા સામે તા ૮ ના રોજ ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.