નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ગરમીથી રાહત
- મોડી સાંજે વાતાવરણમાં પલટો
- નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી
લાંબા વિરામ બાદ શુક્રવારે મેઘ રાજાનું નડિયાદમાં આગમન થયું હતું. સાંજે સાડાપાંચ વાગ્યાના અરસામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ વાદળછાયું વાતાવરણ થયું હતું. જે પછી થોડા જ સમયમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને કારણે ગણતરીના સમયમાં જ નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી.
સાંજે કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયા બાદ વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો.
દિવસભર અસહ્ય ઉકળાટથી ત્રસ્ત થયેલા લોકોએ વરસાદ વરસતા રાહત અનુભવી હતી. હજી આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે શુક્રવારે વરસેલા વરસાદને કારણે ખેતી પાકને પણ જીવતદાન મળશે.
ઓગસ્ટ મહિનામાં નહીવત વરસાદ બાદ વરસેલા વરસાદને કારણે લોકોએ ભીંજાવાની મજા પણ માણી હતી.