નડિયાદ શહેરના ખાનગી શૉ-રૂમમાંથી ડુપ્લિકેટ બૂટ- ચંપલોનો જથ્થો ઝડપાયો
- પીજ રોડ પર એસઓજીને સાથે રાખી ઓપરેશન
- રૂા. 2.80 લાખનો જથ્થો મળ્યો : શૉ-રૂમના માલિક સામે કોપીરાઈટનો ગુનો દાખલ કરાયો
નડિયાદમાં પીજ રોડ પર આવેલી સ્ટેપ ઈન ફેશન નામના શોરૂમમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ બુટ તથા ચપ્પલ વેચાણ થતું હોવાની માહિતી કંપનીના ઓથોરિટી અધિકારી સિ.રિપ્રીઝેટીવ ઓફીસર રાધેશ્યામ જયરામ યાદવને મળી હતી. જેના આધારે તેમણે જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ પોલીસના માણસોને સાથે રાખી ઉપરોક્ત શોરૂમ પર દરોડો પાડયો હતો. શહેરના પીજ રોડ ઉપર આવેલા ઓમ એલીગન કોમ્પલેક્ષમાં પ્રથમ માળે સ્ટેપ ઇન નામના શો-રૂમની દુકાન નંબર-૧૧-૧૨માં આવતા કાઉન્ટર ઉપર હાજર ઇસમને ઓળખ આપી શોરૂમમા સર્ચ હાથ ધર્યું હતું. ત્યાં હાજર શોરુમના માલિક ઝંકાર હસુભાઈ ઠકકર (ઉં.વ.૩૫, રહે. નડિયાદ, ૧૨-ઈ આંનંદ વિહાર સોસા, પીજ રોડ, નડિયાદ)ને સાથે રાખી તેના શોરૂમમાં તપાસ હાથ ધરાઈ હતી. દરમિયાન બ્રાન્ડેડ કંપનીના બુટ-ચંપલો મળી આવ્યા હતા. જેને અલગ તારવી ચકાસણી કરાતા આ બુટ, ચંપલો કંપનીના ઓરીજીનલ ન હોવાનું ખુલ્યું હતું. ડુપ્લીકેટ બુટ ચંપલો, સ્લીપરોની જોડી ૩૮૫ અને ૪૫૦ નંગ કુલ કિંમત રૂપિયા ૨,૭૯,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં ૩ કારણોને આધારે આ ડુપ્લીકેટ માલ હોવાનું બહાર આવ્યું હતું. આથી આ બનાવ મામલે કંપનીના ઓથોરિટી અધિકારી સિ.રિપ્રીઝેટીવ ઓફીસરે ઉપરોક્ત શોરૂમના માલિક ઝંકાર હસુભાઈ ઠકકર વિરૂધ્ધ કોપીરાઇટ ભંગ અનવ્યે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.