ઠાસરામાં દારૂ પકડાતા પીએસઆઈ અને બે કોન્ટેબલોની બદલી કરાઈ
- ઠાસરા પોલીસની કામગીરીથી જિલ્લા પોલીસ અધિક્ષક નારાઝ
- પીએસઆઈને નડિયાદ મિસિંગ સેલ અને વામાલીના કોન્સ્ટેબલોને ખેડા હેડક્વાટર્સ બદલી કરાયા
ઠાસરા પોલીસની હદ વામાલી નદી પટમાં બાતમી આધારે જિલ્લા ગુનાશોધક શાખાના સ્ટાફે ૭૫ લાખના દારૂના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડયો હતો. આરોપીને નડિયાદ ગુનાશોધક શાખામાં લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર બાબતની જાણ ઠાસરા પોલીસને અંધારામાં રાખીને જિલ્લા ગુનાશોધક શાખાએ રેડ કરી હતી. જેને કારણે જિલ્લા પોલીસ અધિક્ષક નારાજ થઈને ઠાસરાના પીએસઆઇ નીરજ બારોટની બદલી કરી નડિયાદ મિશિંગ સેલ શાખામાં અને વામાલી બીટ જમાદાર અને સાથે ડી-સ્ટાફ કર્મીની ખેડા હેડક્વાર્ટરમાં બદલી કરી નાખી હતી. પરંતુ ઠાસરાના કેટલાક નાગરિકોના જણાવ્યા પ્રમાણે ઠાસરાના મુવાડી અને અન્ય વિસ્તારોમાં પણ પોલીસની રહેમ નજરથી દારૂનો વેપાર ફુલ્યો- ફાલ્યો છે. તો આ બાબતે પણ જિલ્લા પોલીસના અધિક્ષક યોગ્ય તપાસ કરાવીને આગળની કાર્યવાહી કરે તેવી માંગણી છે.
દારૂ અને આરોપીને નડિયાદ ગુનાશોધક શાખામાં લઈ જવાયો
ઠાસરા પોલીસની હદમાંથી પકડાયેલો દારૂ ક્યાંથી આવ્યો, કઈ બ્રાન્ડનો છે, કોનો માલ છે...તે તપાસ નડિયાદ જિલ્લા ગુનાશોધક શાખા ચલાવી રહી છે. ખેડા જિલ્લામાં ડુપ્લીકેટ વસ્તુઓના વેચાણનું હબ બની ગયું છે ત્યારે હવે દારૂ પણ બ્રાન્ડ વગરનો પકડાયો છે. ત્યારે દારૂ સાથે પકડાયેલા આરોપીને પૂછપરછ માટે નડિયાદ ગુનાશોધક શાખામાં લઈ જવાયો છે.