ઠાસરાના આગરવાની સીમમાં લાકડી અને કુહાડીના ઘા ઝીંકી સગર્ભાની હત્યા
- 20 વર્ષની પરિણીતાને 9 મહિનાનો ગર્ભ હતો
- અજાણ્યા શખ્સોએ ખેતરમાં આવી સગર્ભાને મોતને ઘાટ ઉતારી પલાયન : પોલીસે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
નગીન ઉર્ફે રાહુલ તળપદા (ઉં.વ.૨૨ રહે. આગરવા. તા. ઠાસરા)એ ફરિયાદ નોંધાવી છે કે, પિતા સહિત પરિવારના ૩ સભ્યો ખેતરમાં કાકડી વિણવા ગયા હતા. બાદમાં ડાકોરમાં કાકડી વેચવા માટે આવ્યા હતા. ત્યાર પછી પતિ નગીન ડાકોર ખાતે આવેલી હોસ્પિટલમાં નોકરીએ ગયો હતો. કૌટુંબિક કાકાનો દિકરો મેહુલ ઠાકોરભાઈ દેવડાનો ફોન આવ્યો કે, તું ઘરે જા ઈમરજન્સી છે. જેથી નગીન હોસ્પિટલથી ઘરે જવા નીકળી ગયો હતો. જ્યાંથી ઘરે આવ્યા બાદ છોટુભાઈ જમાદારના ખેતરમાં જવાનું કહ્યું હતું અને પત્ની ખેતરમાં છે. જેથી બાઈક લઈને ખેતરમાં નગીન ગયો હતો. ખેતરમાં બનાવેલા ઝૂંપડા પાસે લોકોનું ટોળું એકઠું થયેલું હતું. ત્યાં તેમના પરિવારના સભ્યો પણ હાજર હતા. ટોળા વચ્ચે પત્ની કવિતા લોહી લુહાણ હાલતમાં મૃત હાલતમાં પડી હતી. તેની હાલત જોઈને પતિ નગીન ગભરાઈ ગયો હતો. જ્યાં પત્નીના કપાળની જમણી તરફ ઈજા થયેલી હતી. માથાના ભાગે પણ ઈજાઓના નિશાન હતા. જ્યારે લાશની પૂર્વ દિશામાં ઝાડ પાસે લોહીના ડાઘવાળો દંડો પણ મળી આવ્યો હતો. કુહાડી પણ પડી હતી.
કોઈ અજાણ્યા શખ્સોએ કુહાડીના ઘા ઝીંકી કવિતાનું મોત નિપજાવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. કવિતાને ૯ મહિનાનો ગર્ભ હતો ત્યારે તેની હત્યા થયેલી લાશ જોઈ પતિ નગીન ભાંગી પડયો હતો.
કૌટુંબિક કાકાના દિકરા મેહુલ દેવડાએ જણાવ્યું હતું કે, હું ભેંસો ચરાવવા બ્રાહ્મણવાળા ખેતરમાંથી પરત બપોરે ૩ વાગે જતો હતો ત્યારે નગીનના ખેતરમાં પાણી પીવા ગયો હતો. ત્યાં કવિતા ભાભી ઊંધા જમીન પર પડયા હતા. નજીક જઈને જોતા મોં અને માથાના પાછળથી લોહી નિકળતું હતું. ત્યારે ભાભીને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ શ્વાસ બંધ હતા. ત્યારે પહેલા કનુ કાકાને અને બાદમાં નગીનને ફોન કરી જાણ કરી હતી. કવિતા ભાભી ગર્ભવતિ હોવાથી આ જોઈ હું ગભરાઈ ગયો હતો અને ઘરે જઈ માતા તથા ચંદ્રીકાબેન સહિત ફળિયાના લોકોને કરતા તમામ આવ્યા હતા.
આ અંગે જાણ થતા ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પીએમ માટે ડાકોર સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારે પતિ નગીન તળપદાની ફરિયાદના આધારે ડાકોર પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.