Get The App

ગુજરાતના 2 મહત્ત્વના જિલ્લાને જોડતો ગળતેશ્વર મંદિર નજીકનો બ્રિજ પાણીમાં ગરકાવ, ડેમ ઓવરફ્લો

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
ગુજરાતના 2 મહત્ત્વના જિલ્લાને જોડતો ગળતેશ્વર મંદિર નજીકનો બ્રિજ પાણીમાં ગરકાવ, ડેમ ઓવરફ્લો 1 - image


- વણાંક બોરી ડેમ ઓવરફ્લો થતાં મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું 

- નદી બે કાંઠે વહેતા પૂલના બંને છેડે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ઠાસરા તાલુકાના 5 અને ગળતેશ્વરના 11 ગામોને એલર્ટ કરાયા

Gujarat Vanakbori Dam News | વણાંકબોરી વીયર ૨૩૫ ફૂટે ઓવરફ્લો થતાં મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. નવા નીરની આવક થતાં નદી બે કાંઠે વહી રહી છે. જળસ્તરમાં વધારો થતાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગળતેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલો ખેડા જિલ્લાથી વડોદરા જિલ્લાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી ગળતેશ્વર તાલુકા પોલીસ અને વડોદરાની ડેસર તાલુકા પોલીસે પૂલના બંને કાંઠે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. 

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કડાણા ડેમમાંથી ૨.૭૦ લાખ ક્યૂસેકથી વધુ પાણી વણાંકબોરી વીયરમાં છોડવામાં આવ્યું છે. જેથી વણાંકબોરી વીયર ૨૩૫ ફૂટે ઓવરફ્લો થતાં મહીસાગર નદીમાં પાણી આવતા નદીના જળસ્તરમાં વધારો થયો છે.  પરિણામે બુધવારે ગળતેશ્વરથી પસાર થતી મહીસાગર નદી ઉપરનો પૂલ પાણીમાં ગરકાવ થયો હતો. જેને લઈ ગળતેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા ખેડા અને વડોદરા જિલ્લાને જોડતા વરસડા, ડેસર અને સાવલી તાલુકાનો રસ્તો સદંતર બંધ કરી દીધો છે. 

પૂલ પરથી કોઈ અવર જવર ન કરે તે માટે ગળતેશ્વર મહાદેવ મંદિર બાજુ તાલુકા પોલીસ અને સામે વડોદરા તરફ ડેસર તાલુકાની પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઠાસરા તાલુકાના પાંચ અને ગળતેશ્વરના ૧૧ ગામોને એલર્ટ કરાયા છે. 


Google NewsGoogle News