કમળા ગામની સીમમાંથી 7.20 લાખના દારૂ સાથે શખ્સ ઝડપાયો

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
કમળા ગામની સીમમાંથી 7.20 લાખના દારૂ સાથે શખ્સ ઝડપાયો 1 - image


- લાકડાના પીઠાવાળી ગલીમાં દારૂના કટિંગ પર દરોડો

- દારૂ સહિત 22.25 લાખનો મુદ્દામાલ કબજે કરીને 19 શખ્સો સામે ગુનો નોંધાયો

નડિયાદ : નડિયાદની કમળા ગામની સીમમાં લાકડાના પીઠાવાળી ગલીમાં ચાલી રહેલા દારૂના કટિંગમાં નડિયાદ એલસીબીએ દરોડો પાડીને એક શખ્સને રૂ.૭.૨૦ લાખના દારૂ સહિત રૂ. ૨૨.૨૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે કેટલાક શખ્સો દારૂના જથ્થા સાથે ફરાર થઈ ગયા હતા.  ઝડપાયેલા શખ્સની પુછપરછમાં અન્ય ૧૮ લોકોનું નામ ખુલતા પોલીસે ૧૯ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

નડિયાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ગુરૂવારે નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે નડિયાદના કમળા ગામની સીમમાં સંતરામ વેબ્રીજની પાછળ લાકડાના પીઠાવાળી ગલીમાં દરોડો પાડતા અંધારામા દારૂનું કટીંગ કરી રહેલા શખ્સોમા નાસભાગ મચી ગઇ હતી.

 કેટલાક શખ્સો વાહનોમાં બેસી દારૂ લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં પોલીસના હાથે એક શખ્સ ઝડપાયો હતો. પોલીસે તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ મનોજ ઉર્ફે ભુરીયો રસીકભાઇ રાજપુત (રહે. કમળા, ભરવાડવાસ) હોવાનું જણાવ્યું હતું.  પોલીસે હાજર એક કન્ટેનર તેમજ એક પીકઅપ ડાલા માથી અને જમીન પર પડેલો મળી કુલ ક્વોટર નંગ ૪,૩૪૪ કિંમત રૂપિયા ૭,૨૦,૦૦૦નો મળી આવ્યો હતો. આ ઉપરાંત પકડાયેલા શખ્સ પાસેથી એક મોબાઇલ, રોકડ રૂપિયા તેમજ ઉપરોક્ત કન્ટેનરમાં લોખંડનો સરસામાન મળી કુલ રૂ.૨૨,૨૫,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  નોંધનીય છે કે, ઉપરોક્ત બનાવમાં આરોપી એવા નડિયાદ પીજ રોડ પરની શ્રી રંગ સોસાયટીમાં રહેતો કુખ્યાત બુટલેગર ઈકબાલ ઉર્ફે મુન્ના સામે પણ અગાઉ ત્રણથી ચાર વખત પ્રોહીબીશનના ગુનાઓ નોંધાયા છે અને તેમાં વોન્ટેડ હોવાનું પોલીસના ચોપડે નોંધાયું છે.  નોંધનીય છે કે, ૫૦ લાખના ખંડણી કેસમાં રાજ્ય સરકારે જે-તે સમયે આર.આર. સેલને વિખેરી નાખવામાં આવ્યું હતું. તેમછતાં સેલ દ્વારા રૂ.૭.૨૦ લાખના દારૂ અંગે દરોડો પાડયાનું સામે આવ્યું છે. 

18 શખ્સોના નામ ખૂલ્યા 

મનોજ ઉર્ફે ભુરીયાની પુછપરછ કરતા અન્ય ફરાર થયેલા અને દારૂ સપ્લાય કરનાર તેમજ વાહન ચાલકો મળી કુલ ૧૮ નામો ખુલ્યા છે. જેમાં ઈકબાલ ઉર્ફે મુન્નો બચુખાન પઠાણ (રહે. શ્રી રંગ સોસાયટી, પીજ રોડ નડિયાદ), ફીરોજ અલ્લારખા વ્હોરા (રહે.ફૈજાન પાર્ક, નડિયાદ), દિપક ઉર્ફે મેડિકલ સરગરા (રહે. નડિયાદ), પારસ (રહે. સંતરામ વેબ્રિજ પાસે નડિયાદ), સુનિલ ઠાકોર (રહે. સંતરામ વેબ્રિજ પાસે નડિયાદ), દિપક ઉર્ફે મેડિકલનો મિત્ર, ભોપો (રહે.વડતાલ), અકો (રહે.વલાસણ), મહેશ (રહે.આણંદ), રસિક (રહે.મહેમદાવાદ), નિલિયો ઉર્ફે ટપાલો (રહે.બાધણી), વિજય (રહે. નડિયાદ ચકલાસી ભાગોળ), અજય ઉર્ફે પીપૂડી રાવળ (રહે.નડિયાદ), મેલીયો (રહે.નડિયાદ), રાકેશ ઉર્ફે તલવાર (રહે.મહુધા), ઉપરોક્ત કન્ટેનરનો ચાલક અને કંડક્ટરનો સમાવેશ થાય છે. જેમાં આ ઈકબાલ ઉર્ફે મુન્નો અને ફિરોજ વ્હોરા બંને વિદેશી દારૂ ભરી લાવ્યા હતા અને બીજા બધા બુટલેગરોને ત્યાં પહોંચાડવાનો હોય આ દારૂનું અહીંયા કટીંગ થતું હોવાની વિગતો બહાર આવી છે.


Google NewsGoogle News