નડિયાદની ગણેશ ચોકડીથી 2 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
- ટાઉન પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો
- સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને અમદાવાદ સાયબર ક્રાઈમે 60 પેટી દારૂ અને બિયર પકડયો
સાયબર ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ પોલીસને બાતમી મળેલી કે મોડાસા કપડવંજ તરફથી નડિયાદ થઈ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વિદેશી દારૂ ભરીને મારુતિ ગાડી પસાર થનાર છે. જેથી સાયબર ક્રાઇમ પોલીસે નડિયાદ ગણેશ ચોકડી નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન મહુધા તરફથી આવતી બાતમી મુજબની ગાડીને ઉભી રાખવા ઈશારો કરતા ગાડીના ચાલકે ગાડી ઊભી રાખવાના બદલે હંકારી મૂકતા પોલીસે પીછો કર્યો હતો. પોલીસે એક્સપ્રેસ હાઈવેના વડોદરા તરફ જવાના ટોલનાકા પર મારુતિ ગાડીને ઉભી રખાવી ગાડીના ચાલકની પૂછપરછ કરતા ચોખારામ તેજારામ ગોધરા (રહે. રામનગર જિ. બાડમેર રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.
આ ગાડીની તલાસી લેતા વિદેશી દારૂની પેટી નંગ ૪૯ બોટલ નં.૧૦૪૩ તેમજ બીયર ટીન નંગ ૨૩૩ મળી કુલ રૂ.૨,૦૬,૦૦૦નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગાડીના ચાલક પાસેથી રૂ.૫,૦૦૦ નો મોબાઈલ કબ્જે કરી પૂછપરછ કરતા આ વિદેશી દારૂ ભરેલી નયન ઉર્ફે નરેશ ચૌધરી ખેરવાડાએ વિજયનગર બોર્ડર પરથી ગાડી આપી હતી અને પોતાની ગાડી પાછળ ગાડી લઈને આવવા જણાવ્યું હતું. જેથી નયન ઉર્ફે નરેશ કપડવંજ સુધી પાયલોટીંગ કરીને આવી પરત જતો રહ્યો હતો. અને ગાડીના ચાલકને એક્સપ્રેસ હાઈવે વડોદરા તરફ જવાના ટોલનાકા પર મુન્નો નામનો ઈસમ દારૂ લેવા આવશે તેને પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે વિદેશી દારૂ તેમજ ગાડી રૂ.૩ લાખની મળી કુલ રૂ.૫,૧૧,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે સાઇબર ક્રાઇમ પોલીસ અમદાવાદની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે ચોખારામ તેજારામ ગોદરા, નયન ઉર્ફે નરેશ ખેરવાડા તથા મુન્ના નામના શખ્સ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.