યાત્રાધામ ડાકોરના ગોમતી તળાવમાં સફાઇકર્મીનું દોઢ વર્ષનું બાળક ડૂબ્યું
- રમતી વખતે પગ લપસી જતા પાણીમાં ગરકાવ
- તળાવના કાંઠે હાજર લોકોની સમયસૂચક્તાથી બાળકને બચાવી લેવાયું
ડાકોર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગોમતી તળાવની સફાઇની કામગીરી ચાલે છે. જેમાં દાહોદના હિંમતભાઇ સાહડે સફાઇ કર્મી તરીકે ફરજ બજાવે છે. આથી તેઓ ગોમતી તળાવ નજીક તેમના પરિવાર સાથે રહે છે. તેમને પરિવારમાં દોઢ વર્ષનો દિકરો પ્રિયાંશ છે. આજે બપોરે હિમતભાઇ ફરજ પર હતા તે સમયે પ્રિયાંશ પણ તળાવ નજીક રમી રહ્યો હતો. અચાનક રમતા રમતા તે તળાવના પાણી નજીક ગયો હતો અને તેનો પગ લપસી ગયો હતો. તે તળાવના પાણીમાં ડૂબ્યો હતો. તળાવને કિનારે ઉભેલા લોકોની નજર પડતા જ તેઓએ સમય સૂચક્તાથી પાણીમાં કૂદ્યા હતા અને ડૂબતા પ્રિયાંશને બચાવી લીધો હતો. પાણીમાં ડૂબેલા પ્રિયાંશને પ્રાથમિક સારવાર અર્થે ડાકોરની એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે મોટી હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. જો કે આ લખાય છે ત્યારે પ્રિયાંશની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.