અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મિનિ બસમાં આગ લાગી
- સુરતથી અમદાવાદ સામાજિક પ્રસંગે પરિવાર આવતો હતો
- નડિયાદ પાસે બનેલો બનાવ, ડ્રાઇવરની સમયસુચકતાથી જાનહાનિ ટળી
નડિયાદ : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી રવિવારે સવારે નડિયાદ નજીકથી પસાર થતી મીની બસમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આ બનાવની જાણ થતા ચાલકે મીની બસને સાઈડ પર ઉભી રાખી મુસાફરોને ઉતારી દેતા મોટી જાનહાની સર્જાતી નિવારી શકાઇ હતી.
સુરતથી એક મીની બસમાં પરિવારજનો અમદાવાદ સામાજીક પ્રસંગમાં જઈ રહ્યા હતા. આ મીની બસ વડોદરાથી અમદાવાદ તરફ જતી હતી ત્યારે નડિયાદ નજીક મીની બસમાં અચાનક ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જેથી બસના ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી સાઈડમાં બસ ઉભી રાખી મુસાફરોને નીચે ઉતારી દીધા હતા.
આ આગની ઘટનાને પગલે થોડા સમય માટે હાઇવે પરનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. આ બનાવની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઈટર સાથે તુરંત જ બનાવના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી. પરંતુ આગની લપેટમાં આવી ગયેલ મીની બસ જોત જોતામાં સળગી ઉઠી હતી. આ આગ શોર્ટ સકટને કારણે લાગી હોવાનું અનુમાન છે.