ચાંદીપુરા વાયરસ મામલે ખેડા જિલ્લા પંચાયતમાં બેઠક મળી
- જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં
- વાયરસને અટકાવવા માટે ગ્રામ્ય સ્તરે પગલાં અંગે સુચનો કર્યા
નડિયાદ : ખેડા જિલ્લામાં અત્યારસુધીમાં ચાંદીપુરા વાયરસના છ કેસો નોંધાયા છે. ત્યારે વાયરસને ફેલાતો અટકાવવા અંગે જરૂરી કાર્યવાહી માટે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત નડિયાદ ખાતે બેઠક યોજાઈ હતી.
ખેડા ડીડીઓ એસ.ડી. વસાવાએ તાલુકા વિકાસ અધિકારીઓને ચાંદીપુરા વાયરસ રોગચાળાને અટકાવવા માટે ગ્રામ પંચાયત સ્તર સુધી જરૂરી પગલાં લેવા સુચના આપવામાં આવી હતી.
ગ્રામ્ય વિસ્તારોમાં ઢોરને રાખવા માટેના સ્થળે સ્વચ્છતા જાળવવા ગ્રામજનોને સમજણ આપવા, સ્વચ્છતા વિષયક પગલાં લેવા, જૂના મકાનોની તથા પ્લાસ્ટર વગરની દિવાલોમાં લીપણોથી તિરાજો પૂરી લોકોને સેન્ડફ્લાય અંગે સમજણ આપવા, જાહેર સ્થળો પર દુષિત પાણીનો નિકાલ કરવા અને આરોગ્ય ટીમો દ્વારા સર્વેલન્સ કામગીરી અને જંતુનાશક દવા છંટકાવની કામગીરીમાં લોકસહકાર ઉભો થાય તે દિશામાં કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, ટીડીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.