રખડતા પશુ મુદ્દે નડિયાદ પાલિકા અને પશુપાલકો વચ્ચે બેઠક યોજાઇ

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
રખડતા પશુ મુદ્દે નડિયાદ પાલિકા અને પશુપાલકો વચ્ચે બેઠક યોજાઇ 1 - image


- હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર દોડતું થયું

- પશુઓને બિનવારસી ના છોડવા તથા ટેગ કરાવવા તાકિદ 

નડિયાદ : રખડતા ઢોર મામલે હાઇકોર્ટની નારાજગી બાદ હવે નડિયાદ પાલિકાના અધિકારીઓ દોડતા થયા છે. નડિયાદમાં રખડતા ઢોર પકડવાની સાથે સાથે ઘાસ વેચતા લોકો સામે કાયદાકીય પગલાં ભરવા ઉપરાંત બુધવારે  પશુપાલકો સાથે પણ બેઠક યોજીને આ સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. 

નડિયાદમાં રખડતા ઢોરના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે હાઇકોર્ટના કડક નિર્દેશ બાદ હવે તંત્ર દોડતું થયું છે. અલગ અલગ વિસ્તારમાંથી રખડતા ઢોર ડબ્બે પુરવાની સાથે સાથે નવા ઢોર ડબ્બા બનાવવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. એસી ઓફિસમાં બેસીને આદેશો કરતા અધિકારીઓને પણ હવે ફિલ્ડ ઉપર ઉતરવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે આ બધા વચ્ચે  બુધવારે પાલિકા ખાતે શહેરના પશુપાલકો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. 

જેમાં નિર્દેશોનું પાલન કરવાની સૂચના પશુપાલકોને આપવામાં આવી હતી. પોતાના રખડતા ઢોર રસ્તા ઉપર છોડી ન મુકવા માટે પશુપાલકોને તાકીદ કરવામાં આવી હતી. જોકે આ બેઠકનું શું પરિણામ આવે છે તે તો આગામી દિવસોમાં ખબર પડશે પરંતુ હાલમાં પણ શહેરમાં રખડતા ઢોર અને ઢોરના ટોળાં યથાવત જોવા મળી રહ્યા હોવાનો કટાક્ષ શહેરીજનોમાંથી ઉઠી રહ્યો છે. એક તરફ ઢોર ડબ્બે પુરવાની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ રાત્રિના સમયે મુખ્ય માર્ગો તેમજ સોસાયટી વિસ્તારોમાં રખડતા ઢોરનો અડિંગો જોવા મળતો હોવાના આક્ષેપો ઉઠયાં છે.

રખડતા પશુઓ અંગે પરિપત્ર જાહેર 

શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના પરીપત્રની ગાઈડલાઈન મુજબ નડિયાદમાં દરેક વિસ્તારના પશુપાલકોને તેમના વિસ્તારમાંથી બિનવારસી ગાયો બહાર મૂકવાની તથા જાહેર માર્ગ ઉપર ગાયો ન આવે તેની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે. તેમજ પરીપત્ર મુજબ પોતાની ગાયોની પરમીટ લેવા તથા ટેગ કરાવવાની કામગીરીમાં સહયોગ આપવા અને આજુબાજુ વિસ્તારમાં રહેતા બીજા પશુપાલકોએ ગાયોને રોડ ઉ૫૨થી દુર રાખવા તથા પોતાના વાડામાં કેપેસીટી પ્રમાણે ગાયો રાખવા પણ તાકીદ કરવામાં આવી છે.


Google NewsGoogle News