રઢુ ગામની સીમમાં ઈકોએ ટક્કર મારતા બાળકીનું મોત
- ખેડા- ધોળકા રોડ ઉપર
- અજાણ્યો ચાલક ઈકો લઈ ફરાર : 9 વર્ષની બાળા કુદરતી હાજતે ગઈ હતી
નડિયાદ : ખેડા- ધોળકા રોડ ઉપર કુદરતી હાજતે જવા બેઠેલી બાળકીને ઇકોનો ચાલક ટક્કર મારી નાસી ગયો હતો. જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું મોત નિપજ્યું હતું.
ખેડા તાલુકાના રઢુ સીમમાં ખારી નદી નજીક ઝાલાભાઇના લાટમાં ભરતભાઈ જીવણભાઈ પગી પરિવાર સાથે રહે છે. તેમની દીકરી આરતી તેમજ તેમના ભત્રીજાની દીકરી તન્વી ગઈકાલે કુદરતી હાજતે જવા રોડની સાઈડમાં બેઠી હતી. દરમિયાન ખેડા- ધોળકા રોડ ઉપર ફુલ સ્પીડમાં આવેલી ઇકોનો ચાલક બાળકીને ટક્કર મારી નાસી ગયો હતો. જેની જાણ થતા દીકરીના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ ૧૦૮ મારફત પોતાની દીકરીને ધોળકા સીએસસી સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં મેડિકલ ઓફિસરે ઇજાગ્રસ્ત આરતી (ઉં.વ.૯)ને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે ભરતભાઈ જીવણભાઈ પગીની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.