નડિયાદ પીજ રોડ ઉપર કલેક્ટરના સરકારી બંગલામાં આગથી દોડધામ
- એસી યુનિટમાં શોર્ટ-સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન
- રૂમમાં ફર્નિચર બળીને ખાક થઈ ગયું : નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી
ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જેના કારણે શોર્ટ સકટ થતા આગના બનાવો વધી રહ્યા છે. ત્યારે નડિયાદ પીજ રોડ ઉપર કલેકટરનું નિવાસ સ્થાન સરકારી બંગલો આવેલો છે. આ બંગલામાંથી શુક્રવારે બપોરે ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જોત જોતામાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગના બનાવના પગલે અફડાતફડી મચી જવા પામી હતી. જેમાં બંગલાના એક રૂમમાં એસી યુનિટમાં શોર્ટ-સકટ થતા આગ લાગી હોવાનું અનુમાન છે. આગના લીધે રૂમમાં આવેલું ફનચર સળગી જવા પામ્યું હતું. આગના બનાવની જાણ થતા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, પ્રાંતઅધિકારી, આરએસી, મામલતદાર તેમજ પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બનાવની જાણ ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ કરવામાં આવી હતી. આગની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે તુરંત જ ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી.