પોલીસ ફરિયાદનું મનદુઃખ રાખીને કઠોલ ગામના દંપતીને માર માર્યો
- ઉછીના આપેલા પૈસા બાબતે તકરારમાં
- કારને નુક્સાન પહોંચાડી ફરાર થઈ ગયેલા બે શખ્સો સામે ફરિયાદ
આણંદ : બોરસદ તાલુકાના કઠોલ ગામે ઉછીના આપેલા પૈસાની તકરારમાં બે શખ્શોએ કાર લઈ પસાર થઈ રહેલા એક દંપતીને માર મારી કારનો કાચ તોડી નાખતા મામલો ભાદરણ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે બંને શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કઠોલ ગામે સુથારવાળા ફળિયામાં રહેતાં શિલ્પાબેન તથા તેમના પતિ સોમાભાઈ ઠાકોર રવિવારે રાત્રે એક જન્મદિવસની પાર્ટીમાં ગયા હતા. જ્યાં અરવિંદભાઈ માધવસિંહ સોલંકી પણ હાજર હતો. જેને સોમાભાઈએ રૂા.૩૫ હજાર ઉછીના આપ્યા હતા, તે અંગે બોલાચાલી થઈ હતી. બાદમાં દંપતી ઘરે જઈ રહ્યું હતું, ત્યારે અરવિંદભાઈ સોલંકી લોખંડની પાઈપ લઈને આવી ચઢ્યો હતો અને મારી વિરૂધ્ધ બોરસદ પોલીસ મથકમાં કેસ કેમ કર્યો તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો અને સોમાભાઈને કારમાંથી નીચે ઉતારી લોખંડની એન્ગલ મારવા જતા છોડાવવા વચ્ચે પડેલા શિલ્પાબેનને કપાળના ભાગે એન્ગલ વાગી ગઈ હતી. આ ઝઘડામાં ઘનશ્યામભાઈ કનુભાઈ સોલંકી પણ અરવિંદભાઈનું ઉપરાણું લઈ ત્યાં આવ્યો હતો અને અપશબ્દો બોલી સોમાભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ કારનો પાછળનો કાચ તોડી નાખી નુકસાન પહોંચાડયું હતું. ત્યારબાદ બંને શખ્શો જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળેથી ચાલ્યા ગયા હતા. આ અંગે શિલ્પાબેને ભાદરણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.