મહેમદાવાદના ઘોડાસર ગામે ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત
- ગળતેશ્વરના અંગાડી ગામનો એક વર્ષનો અને મહુધાના સણાલી ગામનો 6 માસનો બાળક સારવાર હેઠળ : ખેડામાં 3 નવા કેસ સાથે કુલ આંકડો પાંચે પહોંચ્યો
નડિયાદ : ખેડા જિલ્લામાં ચાંદીપુરાના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અગાઉ કપડવંજના દાસલવાડા અને ફુલજીની મુવાડીમાં શંકાસ્પદ કેસ નોંધાયા બાદ આજે અચાનક નવા ૩ કેસ સામે આવ્યા છે. જિલ્લાના ગળતેશ્વર, મહેમદાવાદ અને મહુધામાં નવા કેસ નોંધાતા કુલ આંકડો પાંચ પર પહોંચ્યો છે. આ તરફ સમગ્ર મામલે ચોંકાવનારી અને ચિંતાજનક બાબત એ છે કે, આ ચાંદીપુરાના કારણે મહેમદાવાદ તાલુકાના ઘોડાસરના પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. તો અન્ય બે કેસમાં બાળકો સારવાર હેઠળ છે. ખેડા જિલ્લામાં આજે વધુ ૩ શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. તેમાંય આ ત્રણ કેસ પૈકી મહેમદાવાદ તાલુકાના ઘોડાસરમાં ચાંદીપુરમમાં સપડાયેલા પાંચ વર્ષના બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી, આ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતા હાહાકાર મચી ગયો છે. આ સાથે જ સિઝનમાં ચાંદીપુરમના કારણે પ્રથમ મૃત્ય થયું હોવાનું સરકારી રેકર્ડ પર નોંધાયું છે. તો બીજીતરફ ગળતેશ્વર તાલુકાના અંગાડીમાં ૧૦ વર્ષના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે અને હાલ આ બાળક વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહુધા તાલુકાના સણાલી ગામમાં ૬ માસના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હોવાથી તેને હાલ નડિયાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ જે નવા કેસ નોંધાયા છે તેમના સેમ્પલ લઈ અને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ સિઝનમાં અગાઉ કપડવંજના દાસલવાડા અને ફુલજીની મુવાડી એમ બે ગામમાં ચાંદીપુરમના શંકાસ્પદ કેસ નોંધાયા હતા અને તેમાં સપડાયેલા બાળકોને સારવાર ચાલી રહી છે, આ વચ્ચે નવા ત્રણ કેસ નોંધાયા અને આ ત્રણ કેસમાં ૧ના મૃત્યુની પુષ્ટિ થતા હવે આરોગ્ય વિભાગની ઊંઘ હરામ થઈ ગઈ છે. બીજીતરફ જિલ્લા પ્રશાસન દ્વારા લોકોને પણ સાવચેતી રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.