રૂપિયા કમાવવાની લાલચમાં નડિયાદના વેપારીએ 21 લાખ ગુમાવી દીધા

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
રૂપિયા કમાવવાની લાલચમાં નડિયાદના વેપારીએ 21 લાખ ગુમાવી દીધા 1 - image


- મોબાઇલ એપના માધ્યમથી સરળતાથી 

- ગઠિયાએ એપ ડાઉનલોડ કરાવી 60 ટાસ્ક પુરા કરવાની ચેલેન્જ આપી વેપારીને ચુનો લગાવ્યો

નડિયાદ : નડિયાદ શહેરના એક વેપારીને રેલવે સ્ટેશન પર એક ઠગનો ભેટો થયો હતો. આ ઠગે વેપારીને વધુ પૈસા કમાવવાની લાલચ આપીને તેમના મોબાઈલ ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. બાદમાં તેમાં અલગ અલગ ટાસ્ક પૂરા કરવાથી રોકાણ કર્યું હોય તેના કરતાં વધુ વળતર મળતું હોવાનું જણાવીને તેમને વિશ્વાસમાં લીધા હતા. અજાણ્યા વ્યક્તિના વિશ્વાસમાં આવી જઈને વેપારીએ પણ ટાસ્ક પૂરા કરવાનું શરૂ કર્યું હતું. વેપારીએ રૂ. ૨૧,૨૯,૩૪૨ ટાસ્ક પુરા કરવામાં લગાડયા બાદ વળતર ન મળતાં પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું માલુમ પડયું હતું. હાલમાં આ મામલે વેપારીએ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ શહેરના જવાહરનગરમાં આવેલ ગાયત્રી નિવાસ બંગલા એરિયામાં રહેતા ચિરાગભાઈ ભરતકુમાર ચાવલા ગત તારીખ ૩૧ જુલાઈના રોજ નડિયાદથી વડોદરા જવા માટે રેલવે સ્ટેશન ઉપર ટ્રેનની રાહ જોઈને બેઠા હતા. આ સમયે એક ૩૫ થી ૪૦ વર્ષના આશરાનો યુવક મોબાઇલમાં કંઈક કરતો હતો. આ યુવકે ચિરાગભાઈને જણાવ્યું હતું કે, રૂપિયા દસ લાખ આવ્યા, તમે એક એપ્લિકેશનમાં ૬૦ ટાસ્ક પૂરા કરો જેટલા રૂપિયા ભર્યા હોય તેનાથી વધારે પાછા મળે છે.

 તમને પણ રૂપિયા દસ લાખ મળી શકે છે, તેવી વાત કરતા ચિરાગભાઈને વધુ પૈસા કમાવવાની લાલચ જાગી હતી. રેલવે સ્ટેશન પર મળેલા યુવકે ચિરાગભાઈના મોબાઈલ ફોનમાં એક લિંક ડાઉનલોડ કરાવી હતી અને તેને ગુગલ ક્રોમના બુકમાકમાં સેવ કરી આપી હતી. તેમાં ચિરાગભાઈની તમામ વિગતો ભરી અને એકાઉન્ટ ઓપન કરી આપ્યું હતું. તેમજ યુઝર આઈડી અને લોગીન પાસવર્ડ પણ ચિરાગભાઈને જણાવ્યા હતા. બીજા દિવસે ૧ ઓગસ્ટના રોજ ચિરાગભાઈએ યુવકે ડાઉનલોડ કરી આપેલી લીંક ઓપન કરતા તેમાં અલગ અલગ ટાસ્ક પૂરા કરવાની ચેલેન્જ આપવામાં આવી હતી. જેમ જેમ ટાસ્ક પૂરા કરતા ગયા તેમ તેમ ચિરાગભાઈને યુ.એસ.ડી.ટી. રૂપીયામાં વધારો થતો ગયો. ટાસ્ક પૂરા કરતા એક ક્રીપ્ટો કરન્સી વાળી એપ્લિકેશન ડાઉનલોડ કરી ચિરાગભાઈએ તેમના આઈસીઆઇસીઆઇ બેંકનું સેવિંગ અને કરંટ એકાઉન્ટ તેની સાથે લિંક કરી દીધું હતું. એપ્લિકેશનમાં ચિરાગભાઈને યુ.એસ.ડી.ટી. ખરીદી કરી તેનો સ્ક્રીનશોટ ચેટ બોક્સમાં ચેટિંગ કરી શેર કરવાનું જણાવવામાં આવતાં તે મુજબ ચિરાગભાઈએ ૮,૩૦૦ ના ઓ.કે.એક્સ એપ્લિકેશનમાંથી યુ.એસ.ડી.ટી. ખરીદી કર્યા હતા. ત્યાર પછી એક પછી એક ટાસ્ક ખુલતા ગયા અને ચિરાગભાઈ તે પૂરા કરતા ગયા. ટુકડે ટુકડે કરતાં ચિરાગભાઈએ ૬૦ ટાસ્ક પૂરા કરીને રૂપિયા ૨૧,૨૯,૩૪૨ ના યુ.એસ.ડી.ટી. ખરીદી કર્યા હતા. જેની સામે તેમને વળતર પેટે? રૂ. ૩૨,૭૭,૪૬૪ રૂપિયા પરત મેળવવાના હતા. જોકે, છેલ્લા ચાર પાંચ દિવસથી એપ્લિકેશન કામ કરતી ન હતી અને યુ.એસ.ડી.ટી. કે ચિરાગભાઈએ રોકેલ પૈસા પરત ન મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ચિરાગભાઈ ના ધ્યાને આવ્યું હતું. જેથી આ મામલે તેઓએ નડિયાદ ટાઉન પોલીસ મથકે એપ્લિકેશન બનાવનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News