તારાપુરમાં 185 થી વધુ કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવાયું
- સતત બીજા દિવસે દબાણોનો સફાયો
- બે દિવસમાં 300 થી વધુ દબાણો દૂર કરી બંને તરફ 10-10 મીટર રસ્તો પહોળો કરાયો
તારાપુર-ખંભાત રોડ, નાની ચોકડીથી મોટી ચોકડી તથા મોટી ચોકડી પરના સિક્સ લેન હાઈવેની બંને તરફ સંપાદિત થયેલી સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકાયેલા કાચા પાકા દબાણોને લઈ અવાર-નવાર અકસ્માતો સર્જાતા હતા.
જેથી વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાને લઈ રોડ સેફ્ટી અંતર્ગત જિલ્લા કલેકટર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની તાકીદ માર્ગ મકાન વિભાગ સિંચાઈ વિભાગ સહિતના વહીવટી તંત્રને કરવામાં આવી હતી.
તારાપુર મામલતદાર, તાલુકા વહીવટી તંત્ર દ્વારા માર્ગ અને મકાન વિભાગ તથા સિંચાઈ વિભાગ સહિત અલગ અલગ વિભાગોને સાથે રાખી બુધવારે બીજા દિવસે પણ દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘણી જગ્યાઓ પર હારબદ્ધ દુકાનો હોવાથી તંત્ર દ્વારા એક સાથે ચાર-ચાર જેસીબી લગાવી દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો. મંગળવારે ૧૧૫ અને બુધવારે ૧૮૫થી વધુ મળી ૩૦૦થી વધુ દબાણો હટાવી બંને તરફ દસ દસ મીટર જેટલો માર્ગ પહોળો કરવામાં આવ્યો હતો.