તારાપુરના ગોરાડ ગામે વીજ કરંટ લાગતા 9 વર્ષના બાળકનું મોત
- મિત્રો સાથે બહાર રમતો હતો ત્યારે ઘટના બની
- વરસાદને લઈ ભેજ લાગવાથી વીજ થાંભલા ઉપર કરંટ ઉતર્યો હોવાનું પ્રાથમિક અનુમાન
તારાપુર તાલુકાના ગોરાડ ગામે રહેતા ચંન્દ્રદિપસિંહ ગોહિલનો પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતો ૯ વર્ષિય પુત્ર ધુ્રવરાજસિંહ શુક્રવારના રોજ સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં ઘર આગળના ગોહિલ ફળિયામાં મિત્રો સાથે રમવા બહાર નીકળ્યો હતો.
દરિમયાન વીજ થાંભલે હાથ અડી જતા કરંટ લાગ્યો હતો. ઘટના બાદ તાબડતોબ ધુ્રવરાજસિંહને તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.
મૃતક બાળકનાં પિતા ચંન્દ્રદિપસિંહ ગોહિલે તારાપુર પોલીસ મથકે જાણ કરતા તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગઈકાલે પોસ્ટમોર્ટમ બાદ બાળકનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. ગઈકાલે સવારે બાળકની અંતિમ વિધિ કરાઇ હતી. તારાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. ઘટના અંગે વરસાદને લઈ ભેજ લાગવાથી વીજ થાંભલા પર કરંટ ઉતર્યો હોવાનું પ્રાથમિક અનુમાન સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયામાં બાળકોને સાવધાન કરવા અપીલ કરાઈ
તારાપુરના ગોરાડા ગામે બાળકનું વીજ કરંટ લાગતા મૃત્યુ થયા બાદ સોશિયલ મીડિયામાં મેસેજ વાઈરલ થયા હતા. જેમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે, તમામ શાળાના શિક્ષકો તેમજ માતા- પિતા અને વડીલો ઘરમાં બાળકોને સમજાવે કે વરસાદી માહોલ હોવાથી ઇલેક્ટ્રીક થાંભલા, ઈલેક્ટ્રીક કટીંગ વાયરો, ખુલ્લી ગટરો, પાણી ભરેલા મોટા ખાડા વગેરે ભયજનક જગ્યાઓથી દૂર રહી સાવચેત રહેવું અને સાવધાની રાખવા અપીલ કરાઈ હતી.