ખેડા જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 94 બાળ લગ્નો અટકાવાયા
- જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા
- સમૂહ લગ્નના આયોજકોને વરઘોડિયાના જન્મ તારીખના દાખલાની ચકાસણી કરવા તાકીદ
સરકાર દ્વારા ૧૮ વર્ષથી ઓછી ઉંમરની યુવતી અને ૨૧ વર્ષથી ઓછી ઉંમરના યુવકના લગ્ન સામે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમજ બાળ લગ્ન કરવા, કરાવવા કે લગ્ન કરવામાં મદદગારી કરવી બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ ફોજદારીનો ગુનો બને છે. બાળ લગ્ન કરાવવામાં આવે તો વર-કન્યાના માતા-પિતા, જો યુવક કે યુવતીમાંથી કોઈ પુખ્ત વયનું હોય તો તે, ગોર મહારાજ, મંડપવાળા, ડીજે વાળા, લગ્નમાં સહભાગી થનાર તમામ લોકો સામે ફોજદારી ગુનો બને છે. તેમજ રૂ.૧ લાખ સુધીનો દંડ અને ૨ વર્ષની સખત કેદની સજાની જોગવાઈ છે. તેમછતાં ખેડા જિલ્લામાં બાળ લગ્ન યોજાતા હોવાનું બહાર આવે છે. ખેડા જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૯૪ બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે.હાલમાં લગ્નસરાની સીઝન શરૂ થઈ ગઈ છે. ઘણા સમાજમાં સમૂહ લગ્ન થઈ રહ્યા છે. ત્યારે સમુહ લગ્નના આયોજકોએ લગ્નમાં જોડાનાર દરેક વરઘોડિયાના જન્મ તારીખના દાખલાની ચકાસણી કરીને કાયદા મુજબ પાત્રતા ધરાવતા હોય તેવા યુવક-યુવતીઓના જ લગ્ન કરાવવા તાકીદ કરાઈ છે.