ખેડા જિલ્લામાં ધોરણ- 10 ની પરીક્ષામાં પ્રથમ દિવસે 800 પરીક્ષાર્થીઓ ગેરહાજર
- કેન્દ્રોમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષા લેવાઇ
- ગુજરાતીમાં મોબાઈલના લાભાલાભ નિબંધ પુછાયો ધોરણ-12 માં 91 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા
રાજ્યમાં આજે સવારથી ગુજરાત રાજ્ય માઘ્યમિક ઉચ્ચ માઘ્યમિક બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. ખેડા જિલ્લામાં એસએસસી બોર્ડની પરીક્ષામાં સવારે ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં મોબાઇલના લાભાલાભ, એક બાળ એક ઝાડ અને ગામડું બોલે છે. વિષય પર નિબંધ પૂછવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ મોબાઈલના લાભાલાભ વિષય પર નિબંધ લખ્યો હતો. આમ એસએસસી ની પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી માઘ્યમ નું પ્રશ્નપત્ર સરળ હોવાનું વિદ્યાર્થીઓના મુખે સાંભળવા મળ્યું હતું.
એસ.એસ. સી.ની પરીક્ષામાં કુલ ૩૦૬૭૨ વિદ્યાર્થીઓ માટે ૪૧ સેન્ટર પર પરીક્ષા યોજાઇ હતી.જેમાં એસએસસી બોર્ડની પરીક્ષામાં નડિયાદ ઝોનમાં ગુજરાતી વિષયમાં ૧૨૯૬૩ વિદ્યાર્થી હાજર, ૩૬૮ ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજીમાં ૧૧૭૪ હાજર, બે ગેરહાજર જ્યારે હિન્દીમાં ૧૮ તમામ હાજર જયારે સંસ્કૃત વિષયમાં ૫૦ હાજર, એક ગેરહાજર મળી કુલ ૧૪૨૦૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૪૦૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. અલીણા ઝોનમાં ૧૧૬૯૩ હાજર, ૩૯૮ ગેરહાજર મળી કુલ ૧૨૦૯૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આમ ૨૫૮૯૭ વિદ્યાર્થી હાજર જ્યારે ૮૦૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. એચ.એસ. સી.ની પરીક્ષામાં બપોર પછી સામાન્ય પ્રવાહ માટે ૧૭ સેન્ટર પર ૧૭૦૦૨ વિદ્યાર્થીઓ જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ૨૮૧૫ વિદ્યાર્થી માટે છ સેન્ટર પર પરીક્ષા યોજાઈ હતી.જેમાં સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો અને સહકાર પંચાયત જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર હતું. ત્યારે આ સમાચાર લખાય છે ત્યાં સુધી માં પરીક્ષામાં સામાન્ય પ્રવાહમાં ૪૭૯૬ હાજર, ૪૬ ગેરહાજર જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ૨૯૮૯ હાજર, ૪૫ ગેર હાજર રહ્યા હતા.