Get The App

ખેડા જિલ્લામાં 7,956 વિદ્યાર્થિનીઓ સરસ્વતી સાધનાની સાઈકલોથી વંચિત

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
ખેડા જિલ્લામાં 7,956 વિદ્યાર્થિનીઓ સરસ્વતી સાધનાની સાઈકલોથી વંચિત 1 - image


- દોઢ મહિનાથી વિતરણ ન કરાતા આક્રોશ

- ભંગાર થઈ જાય તે પહેલા વિકાસ કામોના ખાતમુહૂર્ત- લોકાર્પણ વેળાએ સાઈકલો આપી દેવાય તેવી માંગણી

નડિયાદ : સીમ તેમજ છેવાડાના વિસ્તારમાં રહેતી કન્યાઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરસ્વતી સાધના યોજના હેઠળ ખેડા જિલ્લામાં ૭,૯૫૬ વિદ્યાર્થિનીઓ સાઈકલોથી દોઢ મહિનાથી વંચિત રહી છે. ત્યારે બીજી તરફ આ સાઈકલો હાલ કાટ અને ધૂળ ખાઈને પડી રહી છે. ત્યારે જિલ્લામાં ચાલી રહેલા વિવિધ કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં કન્યાઓને વિતરણ કરાય તેવી રોષેભરાયેલા વાલીઓમાં માંગણી ઉઠી છે.

સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થિનીઓને શાળા કોલેજમાં જવા માટે એસટી બસમાં મફત મુસાફરી કરી શકે તે માટે વિના મૂલ્યે એસટી બસના પાસની યોજના અમલી બનાવી છે. ઉપરાંત ધો.-૯માં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થિનીઓને શાળા પ્રવેશોત્સવ વખતે સરસ્વતી સાધના યોજના હેઠળ સાઈકલોનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે ખેડા જિલ્લામાં શૈક્ષણિક સત્ર શરૂ થયાને દોઢ માસ જેટલો સમય થવા છતાં ધો.-૯ની કન્યાઓને હજુ સુધી સાઈકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી. બીજી બાજુ ખેડા જિલ્લામાં મહુધા તાલુકાના ભૂમસ ખાતેથી ૫૪૩ સાઈકલો, ખેડાના વિઠ્ઠલપુરા પાસેથી ૫૫૦૦ તેમજ ઠાસરા તાલુકામાં તેમજ ચકલાસીમાં બનાવવામાં આવેલી સાઈકલો ખુલ્લામાં કાટ ખાઈ રહી છે. છતાં સત્તાધીશો દ્વારા સરસ્વતી સાધના યોજનાની સાઈકલોનું યોગ્ય જાળવણી નહીં કરી વિતરણ સંદર્ભે મૌન સેવી રહ્યા છે. જેના કારણે દોઢ મહિનાથી લાભથી વંચિત રહી ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થિનીઓ ચાલીને કે હાલાકી ભોગવીને શાળાએ જવા મજબૂર બની છે. આ બાબતે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી બક્ષીપંચ વિકસતી જાતિ વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજનાની ૭,૭૦૦ જ્યારે અનુસૂચિત જાતિની ૨૫૬ સાયકલોની સરકારમાં દરખાસ્ત મોકલી આપી હોવાનું જણાવ્યું હતું. 

હાલમાં સમગ્ર જિલ્લામાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાઈ રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થિનીઓને સાઈકલનું વિતરણ કરાય તેવી લાગણી અને માંગણી ઉઠી છે.


Google NewsGoogle News