ખેડા જિલ્લામાં 77 માં સ્વાતંત્ર્ય પર્વની મહેમદાવાદ ખાતે ઉજવણી કરાઇ
- આઝાદીના લડવૈયાઓનું સન્માન કરાયું
- 60 હજારથી વધુ શ્રમિકોએ અત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાની પોલીસી લીધી
સ્વતંત્રતા પર્વ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, સમગ્ર ભારતમાં ખેડા જિલ્લો *અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના*ના પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદગી પામ્યો છે. જેમાં શ્રમિકોને ૧૦ લાખ રૂપિયા સુધી આરોગ્ય કવચ અને જીવન સુરક્ષા કવચ સરકારના નજીવા દરે પ્રાપ્ત થાય છે. જેમાં ખેડા જિલ્લાના ૬૦,૦૦૦થી વધુ શ્રમિકોએ *અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના*ની પોલિસી લીધી છે.
આ પ્રસંગે જિલ્લાની શાળાના વિધાર્થીઓ દ્વારા દેશ ભક્તિ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. તેમજ મંત્રી દ્વારા સ્વાતંત્ર્ય સેનાની, પોલીસ અધિકારી અને કર્મચારીઓ તેમજ સમાજ સેવી સંસ્થાઓ સન્માન્યા હતા.આ પ્રસંગે મૂકસેવક રવિશંકર મહારાજ સાથે આઝાદીના સમયમાં લડત લડનાર શ્રીમતી સવિતાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આઝાદીની ચળવળ દરમિયાન સમાજ સેવા ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર દિનાનાથ સોમેશ્વર વ્યાસ અને સોમેશ્વર પ્રજારામ વ્યાસનું સન્માન તેમના પુત્ર હેમંત કુમાર દિનાનાથ વ્યાસે સ્વીકાર્યું હતું.
આ પ્રસંગે રાજ્યકક્ષાના કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિહ ચૌહાણ દ્વારા ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીને જિલ્લાના વિકાસ કામો અર્થે રૂ.૨૫/- લાખનો ચેક આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સોનાવાલા સ્કૂલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.