નડિયાદમાં બે ઘરફોડ ચોરી કરનારા 6 આરોપી ઝડપાયા

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
નડિયાદમાં બે ઘરફોડ ચોરી કરનારા 6 આરોપી ઝડપાયા 1 - image


- ચાંદીના તેમજ તાંબા પિત્તળના વાસણો ચોર્યા હતા

- ચોરીમાં ગયેલા દાગીના સહિત રૂપિયા 5.55 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો

નડિયાદ : નડિયાદ ટાઉન પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે છ આરોપીઓને ઝડપી પાડી નડિયાદમાં થયેલી બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. 

નડિયાદ નાગરકુઈ કૃષ્ણ ભુવનમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ચાંદીના સિક્કા તથા ચાંદીના વાસણો ચોરી ગયા હતા. તેમજ ચંદ્રદાકાન્ત વૃંદાવનદાસ શાહના બંધ મકાનમાંથી તસ્કરો રૂ.૨૫,૦૦૦ના તાંબા પિત્તળના વાસણો ચોરી ગયા હતા. આ બંને બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

તા.૭/૮/૨૪ ના રોજ બહારગામથી ચોરી કરવા ચાર ઇસમો નડીયાદમાં ખટારા સ્ટેન્ડમાં આવેલા હોવાનું જણાતા પોલીસે ચારેય ઇસમોને રોકી તેઓની અંગજડતી કરતા તેઓની પાસેથી લોખંડની અણીદાર કોસ મળી આવી હતી. જેથી ચારેય ઇસમોની પુછપરછ કરતા આરોપીઓએ નડીયાદ શહેરમાં રાત્રી દરમ્યાન બંધ મકાનના તાળા તોડી ચોરી કરતા હોવાનું તથા બંને દાખલ થયેલી ચોરીના ગુનાની કબુલાત કરી હતી.

આ આરોપીઓને ચોરીમાં મળી આવેલી સોના- ચાંદીના દાગીના તેઓએ આણંદના બીજા સહ આરોપીઓ સાથે મળી વેચાણ કર્યાની હકિક્ત જણાવી હતી. જેથી પોલીસે તમામ આરોપીઓને પકડી ચોરીઓના કામે કુલ રૂ. ૫,૫૫,૦૦૦નો મુદ્દામાલ તથા તાંબા પિત્તળના વાસણો રૂ.૨૫,૦૦૦ના ગુનાના કામે રીકવર કરી બંન્ને ઘરફોડ ચોરીઓના ગુનાઓ ડીટેકટ કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોરીમાં પકડાયેલા આરોપીઓ

ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી મનિષ વિષ્ણુભાઈ દંતાણી (રહે. વડોદરા), આકાશ નગીનભાઈ દેવીપુજક (રહે. વિદ્યાનગર), રાહુલ મહેશભાઇ દંતાણી (રહે.વડોદરા), ઈશ્વર રમણભાઈ દેવીપુજક (રહે. ઉમરેઠ), સોનાના દાગીના વેચનાર નરેન્દ્ર ઉર્ફે અજય ચંદુભાઇ દંતાણી (હાલ રહે. આણંદ), સોનાના દાગીના વેચનાર મિતેષ દલપતભાઇ લક્ષ્મણભાઈ તડવી (રહે.આણંદ)નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News