કોન્ટ્રાક્ટરના આપઘાત કેસમાં 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર
- કપડવંજ ગ્રામ્ય પોલીસે 5 દિવસે ગુનો નોંધી સંતોષ માન્યો
- સ્યૂસાઈડ નોટમાં તમામના નામનો ઉલ્લેખ હોવા છતાં પોલીસે વિલંબ કરતા આરોપીઓને ભાગવાની તક મળી
કપડવંજ માર્ગ અને મકાન વિભાગમાં ૩૫ વર્ષથી કોન્ટ્રાક્ટ લઈને કામ કરતા થાંભા ગામના કોન્ટ્રાક્ટર કનુભાઈ સોમાભાઈ પટેલનો નાની ઝેર ગામની સીમમાંથી તા.૧૫ જૂનના રોજ ઝાડ પર ફાંસો ખાઈ લીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેમના ખીસ્સામાંથી સુસાઈડ નોટ પણ પોલીસને મળી આવી હતી.
આ સુસાઈડ નોટમાં માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર જીગર કડિયા, સેક્શન ઓફિસર દિપક ગુપ્તા, કપડવંજ ડિવિઝનના તૈયબપુરા-મોટીઝેર સુધીના કામનું ટેન્ડર લેનાર એલ.જી. ચૌધરી, લુણાવાડાના શ્રી રામ બિલ્ડર્સના મનહરભાઈ પટેલ, હિતેશભાઈ સુથાર અને દીપકભાઈ ગાંધીએ સાત કરોડ જેટલી લેવાની નીકળતી રકમ પરત નહીં આપી અને સરકારી બિલો અટકાવી રાખી કનુભાઈને માનસિક ત્રાસ ગુજારતા હોવાથી તેમણે આત્મહત્યા કરવાનો વારો આવ્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો.
આ અંગે મૃતકના નાનાભાઈએ તા. ૧૯ જૂનના રોજ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે આત્મહત્યાના દુષ્પ્રેરણની છ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે મૃતકની સહી વાળી સ્યૂસાઈડનોટ મળી આવી હોવા છતાં પોલીસ દ્વારા બનાવ અંગેની જાણ થયા બાદ તુરંત એફઆઈઆર ના નોંધી કે કોઈપણ પ્રકારની કાર્યવાહી ના કરતા તમામ છ આરોપીઓ ફરાર થવામાં સફળ થયા હોવાનું મૃતકના પરિવાર સહિતના લોકો માની રહ્યા છે.