ગોરપુરામાં મહિસાગર-મેલડી માતાજીનાં મંદિરે 6,100 દીવા પ્રગટાવાયા
- દિવાળીએ રોશનીથી મંદિર પરિસર ઝળહળી ઉઠયું
- માતાજીને 201 પ્રકારના ભોજનનો અન્નકૂટ ધરાવાયો, મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટયા
અમદાવાદ : ખેડા જિલ્લા-તાલુકાના ગોરપુરા ગામે આવેલા પ્રસિદ્ધ મહિસાગર-મેલડી માતાના મંદિરે દિવાળીના દિવસે ૬,૧૦૦ દીપ પ્રગટાવીને દિવાળી પર્વની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે ૨૦૧ ખાદ્યચીજવસ્તુઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા.
મેવાહ પરગણાના ગોરપુરા ખાતે સતત ત્રીજા વર્ષે દિવાળીના દિવસે દીપ પ્રાગટયોત્સ યોજવામાં આવ્યો હતો. મહિસાગર-મેલડી માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટયા હતા.
આ અંગે ભુવાજી મયજીભાઇ જેસંગભાઇ રબારીના જણાવ્યા મુજબ ગોરપુરા ખાતે આ વર્ષે દિવાળીએ ૬,૧૦૦ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. માતાજીને અન્નકૂટ પણ ધરાવાયો હતો. દર્શનાર્થે આવેલા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદી પણ રાખવામાં આવી હતી. ૪૫ વર્ષ જુના આ મંદિરનું હાલમાં જીણોદ્વારનું કામ હાથ ધરાયું છે.
ગોરપુરાનું મેલડી-મહિસાગર માતાજીનું મંદિર આસ્થાનું પ્રતિક બન્યું છે. દિવાળીમાં ભક્તો , સ્વજનો અને મંડળના મિત્રો સાથે મળીને માતાજીની પુજા-આરતી કરે અને સાથે ભોજન પ્રસાદી લે તેવા ઉદ્દેશ સાથે દિવાળીના દિવસે દીપોત્સવ ઉજવવામાં આવે છે.
જીવનમાંથી અંધકાર દુર થાય, નવા વર્ષની શરૂઆત માતાજીના આશિર્વાદ મેળવીને કરવામાં આવે, માતાજી દરેક ભક્તોના જીવનમાં સુખ-શાંતિ-સમુદ્ધી લાવે તેવા આશય સાથે માતાજીને પ્રસન્ન કરવા માટે અન્નકૂટ ધરાવાય છે.