ખેડા જિલ્લામાં વીજચોરી કરતા 39 કનેક્શનોને 6.10 લાખનો દંડ

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
ખેડા જિલ્લામાં વીજચોરી કરતા 39 કનેક્શનોને 6.10 લાખનો દંડ 1 - image


- 26 ગામોમાં 18 ટીમોએ ચેકિંગ હાથ ધર્યું

- જ્યોતિપુરા, સિંગાલી, પાલૈયા, બામરોલી, બડાપુરા ફીડરના ગામોમાં વીજચોરી અંગે કાર્યવાહી

નડિયાદ : ખેડા જિલ્લાના ૨૬ ગામોમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની ૧૮ ટીમો સોમવારે વહેલી સવારે વીજ ચોરી પકડવા ત્રાટકી હતી. આ દરોડા દરમિયાન ૩૯૮ વીજ કનેક્શનના ચેકિંગમાં ૩૯ ગ્રાહકો વીજચોરી કરતા ઝડપાઈ ગયા હતા. એમજીવીસીએલ દ્વારા વીજ ચોરી કરનારાઓને રૂ. ૬.૧૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વીજ કંપનીના દરોડાને પગલે વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજલોસ ઘટાડવા ગેરકાયદેસર વીજ વપરાશ કરનાર વીજ ચોરોને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી પોલીસને સાથે રાખી દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે તા.૧૧ મી ની વહેલી સવારે પાંચ વાગ્યે એમજીવીસીએલની ટીમોએ નડિયાદ સબ ડિવિઝનના જ્યોતિપુરા અને સિંગાલી તેમજ ચકલાસી સબ ડિવિઝનના પાલૈયા, બામરોલી તેમજ બડાપુરા ફીડરના ગામોમાં વીજ ચોરી પકડવા દરોડા પાડયા હતા. 

જેમાં નડિયાદ ડિવિઝનના જ્યોતિપુરા ફીડરના હાથજ, નવાગામ, વાલ્લા, મરીડા તેમજ વીણા ગામનો સમાવેશ થાય છે. જ્યારે સિંગાલી ફીડરમાં ખૂંટજ, બગડુ, સાંપલા, મુલજ તેમજ દવાપુરા ગામમાં વીજ કંપનીની ટીમો ચોરી પકડવા ત્રાટકી હતી. 

આ ઉપરાંત ચકલાસી સબ ડિવિઝનના પાલૈયા ફીડરના મહોલેળ, ભગતની મુવાડી, સોડપુર, જાવોલ તેમજ સનાલી તેમજ બામરોલી ફીડરમાં બોરબામડી, નરસંડા,ગુતાલ, સોપારીપુરા જ્યારે બડાપુરા ફીડરમાં સલૂન, શંકરપુરા, ખુશાલપુરા તેમજ ચોપાટી વિસ્તાર મળી ૨૬ ગામોમાં વીજ કંપનીની ૧૮ ટીમોએ ૩૯૮ વીજ કનેકશનોનું ચેકિંગ હાથ ધર્યું હતું.  આ ચેકિંગ દરમિયાન ૩૯ વીજ વપરાશ કરતા ગ્રાહકો વીજ ચોરી કરતા જણાઇ આવ્યા હતા. આ દરોડામાં પોતાના વીજ કનેક્શનમાંથી અન્ય ઇસમને વીજળી પુરી પાડતા તેમજ માગણી કરેલા લોડથી વધારે લોડ વીજળીનો વપરાશ કરતા નવ કેસ મળી આવ્યા હતા. 

જ્યારે વીજળીના થાંભલા ઉપરથી આંકડી મારી ડાયરેક્ટ વીજ પુરવઠો મેળવતા તેમજ ૫૦૦ કિલો વોટથી વધારે વીજ વપરાશ કરતા ૩૦ વીજ ગ્રાહકો  મળી આવ્યા હતા. જેથી વીજચોરી કરતા પકડાયેલા વીજ વપરાશ કરનાર ગ્રાહકોને કુલ રૂપિયા ૬.૧૦ લાખનો દંડ કરવામાં આવ્યો હતો. 


Google NewsGoogle News