નડિયાદ રેલવે સ્ટેશન પરથી 6.04 કિ.ગ્રા. ગાંજા સાથે શખ્સ ઝડપાયો
- ધનબાદ અને અમદાવાદના ફરાર આરોપીની શોધખોળ
- કલકત્તા- અમદાવાદ ટ્રેનમાં બિહારનો શખ્સ ત્રણ પેકેટમાં રૂા. 60,400 નો ગાંજો લાવ્યો હતો
નડિયાદ રેલવે સ્ટેશન પર તા.૧ એપ્રિલ સવારે ૫.૪૦ કલાકે પ્લેટફોર્મ નંબર-૨ પર કલકત્તા અમદાવાદ ટ્રેન આવી ઉભી રહેતા આ ટ્રેનમાંથી ઉતરીને એક મુસાફર પાર્સલ ઓફિસ પાસેના ફૂટઓવર બ્રિજ પરથી મરૂન કલરની બેગપેક ખભા પર લટકાવી આવી રહ્યો હતો. ત્યારે નડિયાદ રેલવે પોલીસે શંકાને આધારે આ બેગમાં શું છે તેમ કહેતા ગભરાઈ ગયેલા ઈસમે બેગમાં ગાંજો હોવાનું જણાવ્યું હતુ. જેથી ચોકી ઉઠેલ પોલીસે તેની અટક કરી પૂછપરછ કરતા લલન પ્રમોદ પ્રસાદસિંહ (રહે. બન ગામા, જિલ્લા મધુબાની, બિહાર) હોવાનું જણાવ્યું હતું . તેની પાસેની બેગની તલાસી લેતા ત્રણ પેક કરેલા બંડલમાંથી ૬.૦૪૦ કિલો ગ્રામ ગાંજો કિંમત રૂ. ૬૦,૪૦૦નો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે તેની અંગઝડતી માંથી મોબાઇલ રૂ.૫,૦૦૦ નો તેમજ રોકડ રૂ.૯૪૦ મળી કુલ રૂ.૬૬,૬૪૦નો મુદ્દામાલ રેલવે પોલીસે કબજે કર્યો હતો.
આ ઈસમની પૂછપરછ કરતા ગાંજાનો જથ્થો નયન બંગાલીએ કતરાસગઢ રેલ્વે સ્ટેશન ધનબાદ ઝારખંડથી આપ્યો હતો. આ ગાંજો સાબરમતી અમદાવાદમાં રહેતા વિપુલભાઈ સુથારને પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતુ.
આ અંગે નડિયાદ રેલવે પોલીસે લલન પ્રમોદપ્રસાદસિંહ, નયન બંગાલી તેમજ વિપુલ સુથાર સામે નાર્કોટિક્સનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.