આઈટીઆઈના નિવૃત્ત આચાર્ય, ક્લાર્કની 5.73 કરોડની ઉચાપત
- ઉત્તરસંડાની સંસ્થામાં અનિયમિતતા બદલ પૂરાવા રજૂ કરી બંને નિવૃત્ત કર્મચારી સામે કાર્યવાહી કરાઈ
- સરકારી અને ગ્રાન્ટેડ તાલિમ સંસ્થાઓમાં અલગ અલગ ગ્રાન્ટોમાં ઓડિટ દરમિયાન 15 પ્રકારની ક્ષતિઓ બહાર આવતા ગેરરીતિ ખૂલી
વડોદરા અલકાપુરી ખાતે રહેતા મહેશભાઈ ચંદુલાલ પરમાર છેલ્લા એક વર્ષથી ટ્રેડ ટેસ્ટિંગ ઓફિસર વર્ગ-૨ તરીકે નાયબ નિયામક પ્રાદેશિક કચેરી રાવપુરા વડોદરા ખાતે ફરજ બજાવે છે. નાયબ નિયામક, પ્રાદેશિક કચેરીના તાબા હેઠળ ૬૨ સરકારી અને ૩૯ ગ્રાન્ટ ઈન એડ તાલીમ સંસ્થાઓ આવેલી છે. જેમાં ઉત્તરસંડા ખાતે આવેલી આઈટીઆઈમાં સરકાર દ્વારા અલગ-અલગ પ્રકારની ગ્રાન્ટો અલગ-અલગ વિકાસ સહાયના હેતુથી ફાળવવામાં આવી હતી. અને આરટીઆઇમાં ખાતાકીય ઓડિટ, એ.જી.ઓડીટ, પી.વી.એસ.એસ. ઓડિટ દર ત્રણથી પાંચ વર્ષે તાલીમ નિયામકની કચેરી ગાંધીનગરની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. અને ઉત્તરસંડાનું છેલ્લી તા.૧/૦૪/૨૦૦૯થી આઈટીઆઈ ૩૧/૦૩/૨૦૧૬ સુધીનું ખાતાકીય ઓડિટ થયેલું તે વખતે સંસ્થામાં આચાર્ય વર્ગ-એક તરીકે જીવરામ.એ.ભાગચંદાણી (મૂળ રહે. દહેગામ, હાલ મીરા અમૂલ પાર્લર એસ.જી. હાઇવે અમદાવાદ) તા.૩૧/૫/૨૦૧૫ના રોજ નિવૃત્ત થયેલા છે. તેઓની સાથે સિનિયર ક્લાર્ક વર્ગ-૩ તરીકે ખાદીમ હુસેન મોમીન (રહે. સાથળ તા.ધોળકા) પણ તા.૩૧/૭/૨૦૧૫ના રોજ નિવૃત્ત થયા હતા.
દરમિયાન સંસ્થામાં ઓડિટ દરમિયાન ક્ષતિ જણાતા આચાર્યને પુનઃ ક્ષતિની પૂર્તતા કરવા માટે મોકલવામાં આવ્યું હતું. તા.૧/૪/૨૦૦૯થી ૩૧/૩/૨૦૧૬ સુધીનું આઈટીઆઈનું ખાતાકીય ઓડિટ તા.૩૧/૮/૨૦૧૬થી તા.૯/૯/૨૦૧૬ સુધીમાં કરવામાં આવ્યું હતું. જે ઓડિટનો રિપોર્ટ તા.૨૨/૦૯/૨૦૧૬ના રોજ વડી કચેરીએથી ઉત્તરસંડા આઈટીઆઈને મોકલવામાં આવ્યો હતો.
જેમાં કુલ ૧૫ મુદ્દાઓમાં ક્ષતિ જણાતા જેની પૂર્તતા કરી ઉત્તરસંડા આઈટીઆઈએ તા.૨૭/૧૦ના રોજ પૂર્તતા રિપોર્ટ વડી કચેરીએ મોકલી આપ્યો હતો. ત્યારબાદ નિયામક, હિસાબી અધિકારી વર્ગ-એક ને તા.૬/૪/૨૦૧૭ના રોજ શાખા નોંધ કરી ૧૫ મુદ્દામાંથી કેટલા ગ્રાહય રાખ્યા અને કેટલા બાકી છે, મુદ્દા નં.૯, ૧૦, ૧૧, ૧૪, ૧૫માં નાણાકીય ગેરરીતિ આચર્યા અંગેની માહિતી આપી હતી. જેથી શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગરના તા.૧૩/૩/૨૦૧૮ના પત્રથી નિવૃત્ત આચાર્ય જીવરામ.એ.ભાગચંદાણી દ્વારા કરેલી અનિયમિતતા બદલ શિસ્ત વિષય કાર્યવાહી હાથ ધરવા પત્ર લખ્યો હતો.
જેથી વહીવટી અધિકારી પ્રાદેશિક કચેરી, વડોદરા દ્વારા દર્શાવેલી પોલીસ ફરિયાદ કરવા આધાર પુરાવાની નકલો પૂરી પાડતા મહેશભાઈ પરમારે વડતાલ પોલીસ મથકે આચાર્ય જીવરામ એ.ભાગચંદાણી તથા ક્લાર્ક ખાદીમહુસેન મોમીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ રૂ.૫,૭૩,૪૪,૧૯૮ની વિશ્વાસઘાત કરી ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.