તારાપુરમાં 55 વીજ કનેક્શનોમાં ગેરરીતિ પકડાતા 48.55 લાખ દંડ
- વીજ તંત્રની 29 ટીમોએ 658 જોડાણ તપાસ્યા
- મોરજ ગામની ઈન્ડસ્ટ્રીયલ ગેસનું પેકેજિંગ કરતી કંપનીમાં સૌથી વધુ 40 લાખની ચોરીનો પર્દાફાશ
એમજીવીસીએલ તંત્રએ શુક્રવારે વહેલી સવારે તારાપુર તાલુકામાં ૨૯ ટીમોના ૮૫ જેટલા કર્મચારીઓની ટીમો સાથે દરોડા શરૂ કર્યા હતા. તારાપુર તાલુકાના વરસડા, નભોઈ, રીંઝા મિલરામપુરા, વાંક તળાવ, મોરજ, ખાખસર, કાનાવાડા, ખડા, જાફરગંજ, મોટા કલોદરા, વલ્લી, પાદરા સહિતના ગામોમાં દરોડાની કાર્યવાહી દરિમયાન કુલ ૬૫૮ વીજ કનેક્શનો તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ૫૫ કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાઈ હતી.
એમજીવીસીએલ તારાપુરના ડે. એન્જિનિયર હિતેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, દરોડાની કાર્યવાહી દરિમયાન આશરે ૪૮.૫૫ લાખ રૂપિયા જેટલી મોટી વીજ ચોરી પકડાઈ હતી. જેમાંથી સૌથી મોટો કિસ્સો મોરજ ગામમાં આવેલી કોનફિડન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો છે, જ્યાં લગભગ ૪૦ લાખ રૂપિયાની વીજ ચોરીનો ભંડાફોડ થયો છે. આ કંપની ઈન્ડસ્ટ્રીયલ ગેસનું પેકેજિંગ કરતી હતી. આજે ઝડપાયેલ વીજ ચોરીના તમામ કેસોમાં પોલીસ ફરિયાદની પ્રક્રિયા ચાલુ છે, તથા આગામી દિવસોમાં પણ વીજ ચોરી વિરૂદ્ધ ઝુંબેશ ચાલુ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. વીજ ચોરી પકડવા દરોડાની કાર્યવાહી થી તારાપુર પંથકમાં વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.