ખેડા જિલ્લામાં 46,297 વિદ્યાર્થી ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપશે
નડિયાદ : ખેડા જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થનાર છે. જેથી ગઈકાલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોવા માટે પોતાના સેન્ટરો પર ઉમટી પડયા હતા. બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણ માં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં તા.૧૧ માર્ચથી ધો.૧૦ અને ૧૨ના કુલ ૪૬,૨૯૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ પરીક્ષા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ યોજવા જિલ્લા શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર શાંતિ પૂર્ણ વાતાવરણમાં આપે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસ એસ સી અને એચ એસ સી (સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા આગામી ૧૧મી માર્ચથી શરૂ થઈ રહી છે. ત્યારે ખેડા જિલ્લામાં આ વર્ષે ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં ૪૬,૨૯૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. જે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
આ સાથે આજે બે દિવસ અગાઉ વિદ્યાર્થીઓ જે તે પરીક્ષા કેન્દ્રો પર પોતાની બેઠક વ્યવસ્થા જોવા પહોંચ્યા હતા. રીસીપ્ટ લઈને પરીક્ષાર્થીઓ આ પરીક્ષા ની બેઠક વ્યવસ્થા જોવા પહોંચ્યા હતા. બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે. સોમવારે ૧૧મી માર્ચથી શરૂ થનાર એસ એસ સી અને એચ એસ સી બોર્ડની પરીક્ષા યોજાનાર છે. ત્યારે જિલ્લામાં કુલ ૬૮ પરીક્ષા કેન્દ્રો પર ૧૬૮૦ બ્લોકમા ૧૫૭ સ્થળ સંચાલકની હાજરીમાં કુલ ૪૬૨૯૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
આ પરીક્ષા ની કામગીરીમાં ૧૭૬૫ સુપરવાઇઝર તેમજ જિલ્લા વહીવટી તંત્રના ૧૫૭ કર્મચારીઓ અને અન્ય વર્ગ ૪ના કર્મચારી રોકાયા છે. જિલ્લામાં ધોરણ ૧૦માં અંદાજિત ૨૯ હજાર ૪૪૬ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૪૩૩૯ તેમજ વિજ્ઞાાન પ્રવાહમાં ૨૫૧૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા શિક્ષણ વિભાગે આ બોર્ડની તૈયારી પૂર્ણ કરી છે.
શનિવારે વિદ્યાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા જોવા માટે વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર ઉમટયા હતા. નડિયાદ શહેરમાં ખાસ કરીને આસપાસના ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા જોવા માટે પરીક્ષા કેન્દ્ર ઉપર આવી પહોંચ્યા હતા. જ્યાં રીસીપ્ટ સાથે પોતાની બેઠક વ્યવસ્થા જોઈ હતી. બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત કુલ પરીક્ષા સ્થળ ૧૫૭ ઉપર સીસીટીવી કેમેરા ગોઠવી પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે હેતુસર ગોઠવી દેવામાં આવ્યા છે.