માતરમાં 4.25, મહેમદાવાદમાં 3.25 ઈંચ વરસાદ
- ખેડા જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : વસો, કઠલાલ અને કપડવંજ તાલુકા કોરાધાકોર
- નડિયાદમાં એક ઇંચ સહિત 7 તાલુકામાં મેઘરાજા ધીમીધારે વરસ્યા : ગરમીમાંથી લોકોને આંશિક રાહત : ડાંગરના હબ ગણાતા માતરમાં રોપણીનો પ્રારંભ
સોમવારની મધરાત બાદ ખેડા જિલ્લામાં છુટાછવયા સ્થળોએ સામાન્ય વરસાદી ઝાપટાં પડયા હતા. આ વરસાદી ઝાપટા પડતા જિલ્લામાં ચોમાસું ધીમા ડગલે જામી રહ્યું છે. વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડયા છે. જેના પગલે વાતાવરણમાં થોડા સમય માટે ઠંડક પ્રસરી ગઈ હતી. બફારા અને ઉકળાટની સ્થિતિ વચ્ચે જિલ્લાવાસીઓ જેની આતૂરતાથી રાહ જોતા હતા તે વરસાદ ગત મધરાતેથી સતત સવાર સુધી વરસી રહ્યો છે.
આગામી દિવસોમાં વરસાદ ધોધમાર ખાબકશે તો ખેડૂતોને ચોમાસું પાકને કરવામાં આસાની રહેશે. જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ, જિલ્લાના ૧૦ તાલુકા પૈકી ૭ તાલુકામા વરસાદી ઝાપટાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડયા છે. જ્યારે ત્રણ તાલુકા પંથકો કોરા ધાકોર છે. સમગ્ર જિલ્લામાં ધીમી ગતિએ ચોમાસું જામી રહ્યું છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકની અંદર પડેલા વરસાદની સ્થિતિ જોઈએ તો, ખેડા ૪૪ મિ.મી., ગળતેશ્વર ૫ મી.મી, ઠાસરા ૭ મી.મી, નડિયાદ ૨૫ મી.મી, મહુધા ૧૩ મી.મી, મહેમદાવાદ ૮૪ મી.મી, માતર ૧૧૬ મી.મી વરસાદ ખાબક્યો છે.
જ્યારે વસો, કઠલાલ અને કપડવંજ તાલુકામાં વરસાદ વરસ્યો નથી. માતર તાલુકામાં ૪.૨૫ ઈંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ સાથે જ સારો વરસાદ ખાબકતા હવે ડાંગરના હબ ગણાતા માતર તાલુકામાં ડાંગરની રોપણી પણ શરૂ થઈ ગઈ છે, પાણી પર આધારીત ડાંગરના પાકને આગામી ચોમાસા દરમિયાન સારુ પાણી મળી રહેશે, તેવી આસ સાથે ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો છે.