ગરમીના કારણે એપ્રિલમાં આણંદમાં 33, ખેડામાં 38 લોકો મુર્છિત થયા
- એપ્રિલમાં ગુજરાતમાં હિટસ્ટ્રોકના 4 કેસ નોંધાયા
- ખેડા-આણંદ જિલ્લામાં છેલ્લા 13 દિવસમાં ગરમીના કારણે 289 લોકોએ 108 ની સારવાર લીધી
ગરમીના કારણે પેટનો દુખાવો, માથાનો દુખાવો, ચક્કર આવવા, બેભાન થઇ જવું, ઝાડા-ઉલટી અને તાવના કેસો વધવા પામ્યા છે. ઇમરજન્સી સેવા ૧૦૮ના આંકડા મુજબ છેલ્લા ૧૩ દિવસમાં રાજ્યમાં પેટના દુખાવાના કુલ ૩,૪૩૨ કેસ નોંધાયા હતા. કે જેમાં લોકોએ સારવાર લીધી હતી. ઝાડા-ઉલટીના ૨,૧૨૫ કેસ, હિટસ્ટ્રોકના ૪ કેસ, ભારે તાવના ૧,૬૪૦ કેસ, માથાના સખત દુખાવાના ૨૦૭ અને બેભાન થઇ જવાના ૨,૦૨૭ કેસ નોંધાયા છે.આ તમામ કેસોમાં ઇમરજન્સીમાં સારવાર લેવામાં અમદાવાદ શહેર રાજ્યભરમાં મોખરે છે. આણંદ જિલ્લામાં પેટના દુઃખાવાના ૫૧, ઝાડા-ઉલટીના ૨૨, હાઈ ફિવરના ૧૭, માથાના દુઃખાવાના ૪ કેસો તથા બેભાન થવાના ૩૩ કેસ મળી ૧૩ દિવસમાં કુલ ૧૨૭ કેસો નોંધાયા હતા. જ્યારે ખેડા જિલ્લામાં પેટના દુઃખાવાના ૬૩, ઝાડા-ઉલટીના ૩૮, હાઈ ફિવરના ૨૨, માથાના દુઃખાવાના ૧ અને બેભાન થવાના ૩૮ કેસો મળી કુલ ૧૬૨ કેસો નોંધાયા હતા. રાજ્યમાં હાલ ગરમીનો પારો ૩૮ થી ૪૦ ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. બપોરે ભારે ગરમી પડી રહી છે. લૂ લાગવાના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે લોકોએ ગરમીમાં અને ખાસ કરીને બપોરે કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઇ રહી છે.