નડિયાદમાં ક્રેડિટ પર ડિઝલ ખરીદી 31 લાખની છેતરપિંડી આચરી
- મુંબઈની કંપનીનો ડિરેક્ટર હોવાનું જણાવી
- માતર, સેવાલિયા સહિતના પોલીસ મથકે ઠગ સામે ગુના નોંધાયેલા છે
નડિયાદના નવા બીલોદરાના લીમડા ફળિયામાં રહેતા નૈનેશભાઈ પ્રફુલભાઈ પટેલ મરીડા રીંગરોડ પર આવેલા પી.એસ.પટેલ પેટ્રોલ પંપનો વહીવટ કરે છે. ગત જાન્યુઆરી ૨૦૨૨માં એક શખ્સ બીએમડબલ્યુ કાર લઈને પેટ્રોલપંપ પર આવ્યો હતો. પોતે મુંબઈમાં આવેલી ડીપ ઇન્ફ્રા ટોલવે પ્રાઇવેટ લિમિટેડનો ડિરેક્ટર કરણસિંગ માખણસિંહ ચૌહાણ હોવાનું અને હાલમાં નડિયાદ-આણંદ જિલ્લામાં બુલેટ પ્રોજેક્ટ ચાલે છે તેમાં કંપનીનો પેટા કોન્ટ્રાક્ટ હોવાનું જણાવ્યું હતું.
તેમને રોજે રોજ હજારો લીટર ડીઝલની જરૂર હોવાથી જો પેટ્રોલ પંપ ક્રેડિટ પર ડીઝલ આપશે તો ૧૫ દિવસમાં રૂપિયા ચૂકવી આપીશું, તેવો પાકો વિશ્વાસ આપ્યો હતો. તેથી નૈનેશભાઈ દ્વારા તા. ૩ જાન્યુઆરી ૨૦૨૨થી ૧૩ જાન્યુઆરી ૨૦૨૨ સુધી ૩૫,૦૦૦ લીટર ડીઝલ કિંમત રૂપિયા ૩૧ લાખ ક્રેડિટ પર આપ્યું હતું.
બાદમાં રૂપિયાની ઉઘરાણી કરતા કરણસિંહ દ્વારા વાયદાઓ કરી ઉડાઉ જવાબો આપ્યા હતા. કરણસિંહની તપાસ કરતા ઘણી બધી જગ્યાએ પેટ્રોલ પંપો પરથી લાખોનું ડીઝલ ભરાવી પેટ્રોલ પંપના માલિકોને પૈસા નહીં આપતો હોવાનું સામે આવ્યું હતું. તેની વિરુદ્ધ માતર, સેવાલિયા અને વડોદરા ગ્રામ્ય તથા બીજા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયા હોવાનું પેટ્રોલ પંપના વહીવટદારને જાણ થઈ હતી. જેથી નૈનેશભાઈએ આ અંગે નડિયાદ પોલીસ મથકે શખ્સ સામે રૂ.૩૧ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.