Get The App

પૂર્વ ધારાસભ્યના સમર્થનમાં 300 ઠરાવો થતાં ભાજપના સંગઠનમાં દોડધામ

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
પૂર્વ ધારાસભ્યના સમર્થનમાં 300 ઠરાવો થતાં ભાજપના સંગઠનમાં દોડધામ 1 - image


- અમૂલના પશુપાલકોના પ્રશ્રે 

- ભાજપના પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય સામસામે આવતા વિવાદ વકરતા ખેડા જિલ્લા પ્રભારીની દૂધ ઉત્પાદકો સાથે બેઠક  

નડિયાદ : માતરના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને વર્તમાન ધારાસભ્ય કલ્પેશ પરમાર વચ્ચે તાજેતરમાં વિવાદ સર્જાયો હતો. તેવામાં અમૂલ સંલગ્ન દૂધ મંડળીઓ દ્વારા માતરના ભાજપના પૂર્વ ધારાસભ્યના સમર્થનમાં અંદાજે ૩૦૦થી વધુ ઠરાવો કરતા ભાજપ સંગઠન દોડતું થયું હતું. નડિયાદ કમલમ ખાતે ખેડા જિલ્લા ભાજપ પ્રભારીની ધારાસભ્યો, દૂધ ઉત્પાદક સહકારી સંઘના હોદ્દેદારો સહિતના સાથે બંધ બારણે બેઠક મળી હતી. 

માતરના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે વીડિયો વાયરલ કરી અમૂલ ડેરીમાં પશુપાલકોના સંતાનોને લાયકાત મુજબ નોકરીમાં પ્રાથમિકતા આપવી, બાર બ્લોકને બદલે જનરલ ઇલેકશન થાય, ત્રણ પ્રતિનિધીને છૂટા કરી બારનું બોર્ડ પ્રતિનિત્વ કરે સહિતની માંગ કરી હતી.અમૂલમાં પશુપાલકોના પ્રશ્ન મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય સામસામે આવી ગયા હતા. તેવામાં વિવિધ દૂધ મંડળીઓ દ્વારા પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહના સમર્થનમાં અંદાજે ૩૦૦થી વધુ ઠરાવો કર્યા હોવાનું જાણવા મળ્યું છે. 

જેને કારણે ભાજપ સંગઠન દોડતું થયું હતું અને શુક્રવારે ખેડા જિલ્લા ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયાની નડિયાદ ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં આણંદ અને ખેડા જિલ્લાના પ્રમુખ, ધારાસભ્યો અને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ,આણંદના હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી.આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ હાજર રહ્યા ન હતા. બંધ બારણે યોજાયેલી બેઠકમાં ક્યા નિર્ણયો લેવાયા તે અંગે હજૂ સુધી કોઈ ચોક્કસ વિગતો બહાર આવી નથી.


Google NewsGoogle News