Get The App

નડિયાદ પાસે 30 જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગની અસર થતાં હોસ્પિટલમાં ખસેડાયા બાદ રજા અપાઇ

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
નડિયાદ પાસે 30 જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગની અસર થતાં હોસ્પિટલમાં ખસેડાયા બાદ રજા અપાઇ 1 - image


- અમદાવાદના નિકોલથી લગ્ન વિધિ પૂરી કરી પરત ફરતા હતા

- એક્સપ્રેસ વે પર તબીયત લથડતા અસગ્રસ્તોને ૩ એમ્બ્યુલન્સ તથા લક્ઝરી બસ મારફતે નડિયાદ હોસ્પિટલ લવાયા બાદ સારવાર અપાઇ 

નડિયાદ : નર્મદાના રાજપીપળાથી અમદાવાદના નિકોલમાં જાન લઈને આવેલા જાનૈયાઓ લગ્ન પતાવી પરત ઘરે જઈ રહ્યાં હતાં. તે વખતે રસ્તામાં નડિયાદ ટોલબુથ પાસે વર-કન્યા સહિત લક્ઝરી બસમાં બેઠેલા ૩૦થી ૩૫ જાનૈયાઓને અચાનક ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.નડિયાદ નજીક ખોરાકી ઝેરની અસર શરૂ થતા તમામને તાત્કાલિક ૧૦૮ અને લગ્નની જ લક્ઝરી મારફતે સીધા નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર આપી તમામને ડિસ્ચાર્જ કરાયાં હતાં.

રાજપીપળાના જાનૈયાઓ જાન લઈ અમદાવાદના નિકોલમાં ગયાં હતાં. જ્યાં લગ્ન પતાવીને તેઓ પરત રાજપીપળા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન ચાલુ લક્ઝરી બસમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ચઢતા જ ૭૦ પૈકી ૩૦થી ૩૫ લોકોને અચાનક ઝાડા-ઉલ્ટી શરૂ થઈ ગયાં હતાં. 

વર-કન્યાને પણ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી.જેથી બસમાં સવાર જાનૈયાઓએ મધરાતે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા નડિયાદના એક્ઝિટ પોઇન્ટ પર ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં.

જ્યાં તમામની સારવાર ચાલુ કરાઈ હતી અને બાદમાં ડિસ્ચાર્જ કરાયાં હતાં. ઉપરાંત કન્યા પક્ષના પાંચ લોકોને અસર થતાં તેમને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. આ અંગે બસમાં સવાર વિનુભાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ લગ્ન પૂર્ણ કરી પરત ફરતા એકાએક બસમાં સવાર ૨૫થી વધુ વ્યક્તિઓને ઝાડા, ઉલટી ની અસર થઈ હતી. આથી ૧૦૮ની મદદ મેળવી તમામ લોકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. પંજાબી ફૂડ જમ્યાં હતાં, તે બાદ તબિયત લથડતા ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું જણાવ્યું છે.

પંજાબી, ચાઈનીઝ અને હલવો આરોગ્યા બાદ તબીયત લથડી

આ અંગે ૧૦૮ના ધર્મેન્દ્રભાઈ જાદવે જણાવ્યું હતું કે, આ જાનૈયાઓની બસ રાજપીપળા મૂકામે પરત ફરતી હતી. તે દરમિયાન ૩૦થી ૩૫ જાનૈયાઓ અસરગ્રસ્ત થતા ત્રણ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જાનૈયાઓના કહેવા પ્રમાણે પંજાબી સબ્જી, ચાઈનીઝ અને હલવો આરોગીઓ હોવાનું જણાવ્યું છે.


Google NewsGoogle News