વિરપુર ગામના તળાવમાં નહાવા પડેલા 3 યુવકોના ડૂબી જતા મોત
- ધાવડિયા ગામના 3 પરિવારોમાં હોળીનો તહેવાર માતમમાં ફેરવાયો
- અસહ્ય ગરમીથી રાહત મેળવવા તળાવમાં નહાવા ગયા અને મોતને ભેટયા
હોળી પર્વના પૂર્વ દિવસ શનિવારે અસહ્ય ઉનાળો શરૂ થઈ ગયો હોય તેમ ગરમી વર્તાઈ હતી. ત્યારે વિરપુર તાલુકાના ધાવડિયા ગામના ત્રણ સગીરો જયેશકુમાર બાલાભાઈ સોલંકી આશરે (ઉં.વ. આશરે ૧૫), રવિન્દ્રકુમાર રમણભાઈ સોલંકી (ઉં.વ ૧૬) અને નરેશકુમાર બાબુભાઇ સોલંકી (ઉં.વ ૧૬) વિરપુર ખાતે આવેલા અણસોલિયા તળાવમાં નહાવા માટે પડયા હતા. ત્યારે અચાનક તળાવમાં ગરકાવ થઈ જવાથી આ ત્રણેય સગીરોના મોત નિપજ્યા હતા. ત્રણેય યુવકોના મોત થયાની ઘટનાની જાણ થતા વિરપુર પોલીસ અને મામલતદાર સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્તથાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહો અણસોલિયા તળાવમાંથી મળી આવતા જ આક્રંદ સાથે ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસ દ્વારા ત્રણેય યુવાનોના મૃતદેહને પીએમ અર્થે વિરપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં ત્રણેય યુવાનોના મૃતદેહ લાવતા લોકોના ટોળેટોળાં ઉમટયાં હતા. ત્યારે એકસાથે ત્રણ યુવાનના મોત થતાં પરિવાર સહિત પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.