કઠલાલમાંથી 1.64 લાખના દારૂ સાથે 3 શખ્સો ઝડપાયા
- ચીરાગ પાન પેલેસમાં દરોડો
- મહુધાના 2 શખ્સોએ ઝડપાયેલા ત્રણેયને 15 હજારના માસિક પગારથી રાખ્યા હતા, 7 સામે ફરિયાદ
સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે કઠલાલમાં એસટી ડેપો નજીક આવેલા ચીરાગ પાન પેલેસ નામના પાનના ગલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેપલો કરવામાં આવી રહ્યો છે. જેના આધારે એસએમસીએ પાન પેલેસમાં દરોડો પાડયો હતો. જેમાં ત્રણ શખ્સો ઝડપાઈ ગયા હતા.
તેમની પૂછપરછ કરતા પાન પેલેસનો માલિક તુષાર પ્રભુભાઈ પટેલ (રહે. રંગીલા પોળ, કઠલાલ), અક્ષય જગદીશભાઈ પરમાર (રહે.ઈન્દિરાનગરી, કઠલાલ) અને જયદીપ જયેશભાઈ પટેલ (રહે. રામજી મંદિર ફળિયું, કઠલાલ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પાન પેલેસની અંદર તથા બહાર ઉભેલી બાઈક અને સ્કૂટરમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
જે બાદ વધુ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા કઠલાલ માર્કેટ રોડ ઉપર નર્સરીની બાજુમાં આવેલા તુષારના ખેતરની ઓરડીમાં મૂક્યો હોવાની વિગતો મળતા એસએમસીએ આ ત્રણેય વ્યક્તિઓને સાથે રાખી ખેતરની ઓરડીમાં પહોંચી તપાસ કરતા ત્યાંથી પણ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જેથી એસએમસી દ્વારા ત્રણેયને મુદ્દામાલ સાથે કઠલાલ પોલીસ સ્ટેશનમાં લઈ જઈને વધુ પૂછપરછ કરતા ત્રણેય શખ્સો મીતુલ મહેન્દ્ર પટેલ અને સંજય ચૌહાણ (બંને રહે.મહુધા) પાસેથી આ દારૂનો જથ્થો લાવી વેચાણ કરતા હતા. તેમજ મીતુલ અને સંજય ઝડપાયેલા ત્રણેય શખ્સોને રૂ.૧૫ હજાર માસિકથી નોકરીએ રાખ્યા હોવાની વિગતો બહાર આવી હતી. સવારથી સાંજ સુધી ત્રણેય શખ્સો કઠલાલ પાન પેલેસમાં દારૂનું વેચાણ કરતા હતા અને મોડી સાંજે મહુધાના બુટલેગર આવી આ દારૂ વેચાણના નાણા લઈ લેતા હતા. જેથી પોલીસે રૂ.૧,૬૪,૪૭૦ની કિંમતની વિદેશી દારૂની ૧,૦૮૫ બોટલો, ૨ મોબાઈલ, બે વાહનો સહિત રૂ.૨,૩૮,૭૦૦નો મુદ્દામાલ કબજે કરીને તુષાર પટેલ, અક્ષય પરમાર, જયદીપ પટેલ, મીતુલ પટેલ, સંજય ચૌહાણ અને એક અજાણ્યા શખ્સ મળી કુલ ૬ શખ્સો સામે ગુનો નોંધીને શખ્સોને શોધવા તપાસ હાથ ધરી છે.