ક્રેડિટ સોસાયટીમાં લાખોની ઉચાપત સંદર્ભે ડેભારીના 3 શખ્સોની ધરપકડ
- મહિસાગર એલસીબીએ ૩ આરોપીની અટકાયત કરી
- ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના રોકાણકારોએ વિરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી
ડેભારી ગામની ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના લોકો દ્વારા ક્રેડિટ સોસાયટી ઉભી કરવામાં આવી હતી. જેમાં દર વર્ષે મોટું ભંડોળ એકઠું થતું હતું. ગામની અને સમાજની સોસાયટી હોવાથી સમાજના સિનિયર સિટીજન, નોકરિયાત તેમજ અન્ય લોકો દ્વારા નાણાંનું રોકાણ કરાતું હતું. જયારે પાકતી મુદતના નાણાં માટે જરૂર જણાતા રોકાણકારોએ સોસાયટી દ્વારા આપવામાં આવેલા સર્ટિફિકેટ લઈ પોતાના નાણાંની માંગણી કરી હતી. ત્યારે વહીવટ કર્તાઓએ હમણાં નાણાં નથી, આવશે એટલે બોલાવીશું. તેવા ઉડાવ જવાબ આપતાં બાકીના રોકાણકારોને શંકા ગઈ હતી. જે સંદર્ભે સમાજના લોકોની મિટિંગ કરી સોસાયટીમાં તપાસ કરતા ૨૮,૮૨,૩૨૦ રૂપિયાની ઉચાપત થઇ હોવાનું માલુમ પડયું હતું. જે સંદર્ભે વિધવા મહિલાઓ, સિનિયર સિટીઝન તેમજ દિનેશકુમાર મણીલાલ જોષી દ્વારા મહીસાગર એસપી કચેરીએ રજૂઆત કરાઈ હતી. ત્યારે વીરપુર પોલીસ સ્ટેશને (૧) જીગ્નેશભાઇ હરીશભાઇ જોષી, (૨) રામશંકર અંબાલાલ જોષી, (૩) રમણલાલ જગનનાથ જોષી તમામ રહે.ડેભારી, તા.વિરપુર જિ.મહીસાગરવાળા ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ત્યારે એલસીબીએ ત્રણેય ઈસમોની અટકાયત કરી હતી.