નડિયાદ પાલિકાના આઉટસોર્સના કર્મીઓનો 3 મહિનાનો પગાર બાકી

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
નડિયાદ પાલિકાના આઉટસોર્સના કર્મીઓનો 3 મહિનાનો પગાર બાકી 1 - image


- અન્ય એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપવા માંગણી

- મહેસાણાની એજન્સી તથા પાલિકાના કર્મચારીઓ સામે તપાસની માંગ

નડિયાદ : નડિયાદ નગરપાલિકામાં આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓને ૩ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો ના હોવાથી તેમની હાલત કફોડી બની છે. ત્યારે આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને મહેસાણાની એજન્સી તથા પાલિકાના કર્મચારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની આઉટસોર્સ કર્મચારીઓની માંગ છે. 

નડિયાદ પાલિકામાં મહેસાણાની રાધે એન્ટરપ્રાઈઝ એજન્સી દ્વારા કમ્પ્યુટર ઓપરેટર, પટાવાળા સહિતના કર્મચારીઓ પૂરા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે પાલિકા અને એજન્સીની મીલિભગતથી આઉટસોર્સિંગ કર્મચારીઓને જાન્યુઆરી ૨૦૨૪થી માર્ચ ૨૦૨૪નો પગાર ચૂકવવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ કર્મચારીઓ લગાવી રહ્યાં છે. 

ઉપરાંત અગાઉ જે પગાર ચૂકવાયો હતો, તેમાં પણ એજન્સીએ વ્હાલા-દવલાની નીતિ અપનાવી મહિલા કમ્પ્યુટર ઓપરેટરોને માસિક ૧૦ હજાર, જ્યારે પુરુષ કમ્પ્યુટર ઓપરેટરને માસિક ૬ હજાર રૂપિયા ચૂકવતા હોવાનો આક્ષેપ કર્મચારીઓ દ્વારા કરાયો છે. તેમજ આ એજન્સીને જિલ્લા પંચાયતમાં સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સાથે એજન્સી એક જ કોન્ટ્રાક્ટમાં વોચમેન પણ પૂરા પાડે છે. એટલે કે, એજન્સી દ્વારા વોચમેનને સફાઈમાંથી મળતા નાણાંમાંથી પગાર ચૂકવાય છે. જોકે, આ વોચમેન અને સફાઈ કર્મીને નિયમો મુજબ દૈનિક પગાર ન ચૂકવાતો હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે.  

ત્યારે આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને કોઈ પ્રકારની ખામી સામે આવે તો પાલિકાના કર્મચારી-અધિકારી તથા રાધે એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવે તથા એજન્સીને બ્લેક લિસ્ટ કરી અન્ય એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે તેવી કર્મચારીઓમાંથી માંગ ઉઠી છે. આ સમગ્ર મામલે એજન્સીનો વહીવટ સંભાળતા વિશાલભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, નડિયાદ નગર પાલિકામાં આ પ્રકારે પગાર ચૂકવવામાં ભેદભાવ થયો હોવા અંગે એજન્સીના મુખ્ય માલિકનું ધ્યાન દોરી, યોગ્ય નિરાકરણ લાવીશું.



Google NewsGoogle News