કપડવંજના આલમપુરા પાટિયા પાસે જાનૈયા ભરેલી ઇકો કારને અકસ્માત, 3 ના મોત, સાત ઘાયલ
- ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો, વરરાજાના પિતાનું મોત
- સોરણા ગામેથી મહાદેવિયા( સુણદા) ગામે બે દિકરાની જાન ગઇ હતી, લગ્નપ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો
ગઇકાલે મંગળવારે કપડવંજ તાલુકાના સોરણા ગામે રહેતા અરવિંદભાઇ ફુલાભાઇ વાઘેલા દિકરાના લગ્ન હોવાથી ગામમાંથી જાન મહાદેવિયા( સુણદા) ગામે ગઇ હતી. લગ્નપ્રસંગ પતાવીને જાન સોરણા ગામ તરફ પરત ફરી રહી હતી ત્યારે મોડી સાંજે ઇકો ગાડીમાં સવાર થઇને જાનૈયા ઘરે પરત ફરી રહ્યા હતા.
તે સમયે આલમપુરા પાટિયા પાસે વાહનોને ઓવરટેક કરવા જતા ઇકો ગાડી સામેથી આવતા બોક્સાઇડ ભરેલા કન્ટેનર સાથે અથડાઇ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો ગાડીના ફુરચેફરચા ઉડી ગયા હતા. ઇકોમાં સવાર વરરાજાના પિતા અરવિંદભાઇનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઇકોમાં સવાર મુસાફરોની ચિચિયારીઓથી વાતાવરણ ભયાવહ બની ગયું હતું. સ્થાનિકો અને રાહદારીઓની મદદથી ઇજાગ્રસ્તોને ઇકોમાંથી બહાર કાઢયા હતા..
ઇમરજન્સી સેવા ૧૦૮ની મદદથી તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી વધુ બે જાનૈયાનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળે છે. અકસ્માત અંગે મિતેશભાઇ પરમારની ફરિયાદના આધારે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશને ઇકો ગાડીના ચાલક રાજુભાઇ રામજીભાઇ રબારી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કપડવંજના સોરણા ગામેથી અરવિંદભાઇના બે દિકરા ઘનશ્યામકુમાર અને દશરથકુમારના લગ્ન મહાદેવિયા( સુણદા) ગામે નક્કી થયા હતા. બંને ભાઇઓના લગ્ન પ્રસંગ સમયે જ પિતાના મોતથી ગામમાં ગમગીની છવાઇ ગઇ છે.
મૃતકોના નામ
- અરવિંદભાઈ ફુલાભાઈ વાઘેલા
- કલ્પેશભાઈ રાયસંગભાઈ ખાંટ
- જયંતિભાઈ સાંકળભાઈ શર્મા
( તમામ રહે, સોરણા, તાલુકો કપડવંજ)
ઇજાગ્રસ્તોના નામ
- શૈલેષભાઈ સાલમભાઈ વાધેલા
- અશોકભાઈ બાલાભાઈ બારૈયા
- પરમાર પ્રવિણભાઇ રાયસંગભાઈ
- મનુભાઈ રાવજીભાઈ સોલંકી
- પરમાર દીનેશભાઈ રમેશભાઈ
- રાવજીભાઈ ફુલાભાઈ વાઘેલા
- મીતેષભાઈ રમેશભાઈ પરમાર