કઠલાલના નાની શાહપુર ગામમાં એક સાથે 3 અંતિમયાત્રા નીકળી
- બાળક, પુરૂષ અને યુવતીના મોતથી ગામમાં શોક
- બે સોલંકી અને ચૌહાણ પરિવારમાં ભારે આક્રંદ : 24 કલાક ગ્રામજનો મૃતકોના પરિવારોની સાથે રહ્યા
અંબાજી પાસે ત્રિશુળિયા ઘાટ પાસે ગતરોજ વહેલી સવારે કઠલાલ નાની શાહપુરના યાત્રિકોની લકઝરી બસને નડેલા ગોઝારા અકસ્માતે ચારના ભોગ લીધા છે. જે તમામ ખેડા જિલ્લાના વતની હતી. જેમાંથી નાની શાહપુર ગામના ત્રણ લોકોના મૃત્યુ થતા ગામમાં માતમ છવાયો છે. સોમવારે મોડીરાત્રે દોઢ વાગ્યાની આસપાસ આ ત્રણેયના મૃતદેહ ગામમાં લાવવામાં આવ્યા હતા. જોકે અકસ્માતના સમાચાર સવારથી મળી જતા ગામમાં કોઈએ સવારનું તો ઠીક રાતનું પણ ભોજન બનાવ્યું ન હતું. બીજા દિવસે મંગળવારે સવારે નાની શાહપુર ગામે એક સાથે ત્રણ અર્થીઓ ઉઠતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. પહેલા દોઢ વર્ષના બાળક અને બાદમાં પુરૂષ અને યુવતીની અંતિમયાત્રા નીકળી હતી. ત્યારે બે સોલંકી અને એક ચૌહાણ પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો. એક સાથે નીકળેલી ત્રણ અંતિમયાત્રામાં નાની શાહપુર અને શાહપુર ગામના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.