મહુધામાં લઘુમતી સમાજના 10 શખ્સોના 3 દિવસના રિમાન્ડ
- પોસ્ટ મુકનાર 2 આરોપીના 2 દિવસના રિમાન્ડ
- ઘટનાના ત્રીજા દિવસે પોલીસ બંદોબસ્ત યથાવત્ ટોળા સામે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ
કઠલાલમાં જુલુસ નહીં કાઢવાના નિર્ણયની સામે મહુધાના બે યુવકોએ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂક્યા બાદ મામલો બિચક્યો હતો અને લઘુમતિ ટોળાએ મહુધા આવેલા ૩ કઠલાલના યુવકો પર પથ્થરમારો કરીને હુમલો કર્યો હતો. આ મામલે ૩૮ ના નામજોગ અને અન્ય ૧૦૦ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થઇ છે. જેમાં પોલીસે દસ લોકોની અટકાયત કરી છે. ઉશ્કેરણીજનક પોસ્ટ મુકનારા બે શખ્સની અટકાયક કરી છે. આ બાબતે પોલીસે દસ આરોપીને મહુધાની કોર્ટમાં રજૂ કરતા ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ મામલે મહુધામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો અને એસઆરપી પણ ઉતારી દેવાઇ હતી. આ ઘટનાના ત્રીજા દિવસે મહુધામાં અજંપાભરી શાંતિ રહી હતી.મહુધા અને કઠલાલમાં નાના ઝુલુસ કાઢી અને ગણતરીના સમયયાં કાર્યક્રમ પૂર્ણ કરી દઇને ઇદની ઉજવણી કરી હતી.
તંત્રનો હકારાત્મક અભિપ્રાય છતાં મહુધામાં જુલૂસ ન નિકળ્યા
મહુધામાં વર્ષોથી ઈદ-એ-મિલાદના વિશાળ જુલુસ કાઢવામાં આવે છે. આ વર્ષે જુલુસના પરવાના માટે કોમી ધિંગાણુ થયા પહેલાથી જ તાલુકા તંત્રની મંજૂરી માંગવામાં હતી. જેમાં મહુધા પી.આઈ. દ્વારા પોલીસનો પોઝિટિવ અભિપ્રાય આપવામાં આવ્યો હતો. જ્યારે નાયબ મામલતદાર દ્વારા જુલુસ મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આજે ઈદના દિવસે મહુધામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. તેમ છતાં મંજૂરી બાદ પણ જુલુસ નહીં કાઢવા નિર્ણય કરવામાં આવ્યો છે. કઠલાલમાં જુલુસ ન કાઢવા મામલે ઉશ્કેરીજનક પોસ્ટ કરનારા યુવકોના કારણે મહુધામાં પણ જુલુસ ન કાઢી શકાયા હોવાની ચર્ચાઇ રહ્યું છે.
કસ્બા કમિટી વિખેરાઈ ગઈ
ખેડા જિલ્લાના મહુધામાં પોલીસની હાજરીમાં હુમલો કરવાના બનાવ બાદ મહુધાની કસ્બા કમિટીના પ્રમુખ અને અન્ય તમામ હોદ્દેદારો સહિત સભ્યોએ રાજીનામાં આપી દીધા છે. જેના કારણે કસ્બા કમિટી વિખેરાઈ ગઈ છે.